દેશ-વિદેશ
News of Monday, 7th September 2020

ફ્રાંસના ડીજોન શહેરમાં 57 વર્ષીય શખ્સને ઈચ્છા મૃત્યુ ન મળતા કર્યું કંઈક આવું

નવી દિલ્હી: ફ્રાન્સના ડીજોન શહેરમાં રહેતા 57 વર્ષીય અલાઇન કોક તેમની અસાધ્ય બીમારીથી પરેશાન છે. બીમારીની સારવારના અભાવે તેમણે રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મૈક્રોં સમક્ષ ઇચ્છામૃત્યુની માગ કરી. જોકે, રાષ્ટ્રપ્રમુખે કોકની માગ ફગાવી દીધી. તેના પગલે કોકે હવે ખાવા-પીવાનું છોડી દીધું છે. સાથે જ શનિવારે સવારથી ફેસબુક પર પોતાના મોતનું લાઇવ સ્ટ્રીમિંગ પણ શરૂ કરી દીધું છે. કોકે કહ્યું, હું એક અઠવાડિયાથી વધારે નહીં જીવી શકું. સમય વીતી રહ્યો છે તેમ-તેમ મને બેચેની થઇ રહી છે. કોકે મૈક્રોં સમક્ષ ઇચ્છામૃત્યુની માગ કરતા લખ્યું હતું કે, હું એવી બીમારીથી પીડાઉં છું કે જેની સારવાર થઇ શકે તેમ નથી. મારી અસહ્ય પીડાને શાંત કરવા માટે કોઇ એવો પદાર્થ આપી દેવામાં આવે કે જેનાથી હું શાંતિથી મરી શકું. આ અંગે રાષ્ટ્રપ્રમુખ મૈક્રોંએ તેમને સમજાવતાં ઇચ્છામૃત્યુ આપવાનો ઇનકાર કરી દીધો. મૈક્રોંએ કહ્યું, ફ્રાન્સના કાયદા અનુસાર હું તે માટે મંજૂરી ન આપી શકું, કેમ કે હું કાયદાથી મોટો નથી. તેથી હું તમારો અનુરોધ સ્વીકારી શકું તેમ નથી.

(5:58 pm IST)