દેશ-વિદેશ
News of Tuesday, 8th September 2020

આ બહેને વિશ્વનું સૌથી મોટું પ્લાસ્ટિક-ફૂડનું કલેકશન કર્યું

ટોકીયો,તા.૮: લોકોને જાતજાતનું ખાવાનો શોખ હોય, પણ જપાનનાં અકિકો ઓબાટા નામના બહેનને ફૂડ કલેકટ કરવાનો શોખ છે. ફૂડ પણ ઓરિજિનલ નહીં, પ્લાસ્ટિકનું. પંદર વર્ષ પહેલાં તેણે રમકડાની બનેલી પ્લાસ્ટિકની આઇટમ્સ કલેકટ કરવાનું શરૂ કરેલું જે કલેકશન આજે ૮,૦૦૦ના આંકડે પહોંચ્યું છે.

જપાનમાં અનેક રેસ્ટોરાંમાં તેમને ત્યાં મળતી ફૂડ-આઇટમ્સની પ્લાસ્ટિકની રેપ્લિકા જેવા રમકડા સજાવટ માટે મૂકવામાં આવે છે. જેપનીઝ ભાષામાં એને સમ્પુરુ કહેવાય છે. રેસ્ટોરાંવાળા તેમને ત્યાં મળતી ચીજોનું માર્કેટિંગ કરવા તેમ જ કસ્ટમર્સને કઈ વાનગી ઓર્ડર કરવી એની મદદ મળે એ માટે આવી ફૂડ-આઇટમ્સની પ્લાસ્ટિકની ચીજો બનાવે છે. સમ્પુરૂ બનાવનારા આર્ટિસ્ટ બને ત્યાં સુધી એકદમ સાચકલી લાગે એવી ચીજો બનાવે છે. અકિકોને તો ત્રીસ વર્ષ પહેલાંથી આવી ચીજો ગમવા લાગી હતી, પણ જયારે તેની બહેન એક રેસ્ટોરાંએ તેના મેન્યુને રીઓર્ગેનાઇઝ કરતી વખતે કાઢી નાખેલી જૂની ફૂડ-આઇટમ રેપ્લિકાનો ઢગલો ઘરે લઈ આવી ત્યારે તો તે રીતસર એના પ્રેમમાં જ પડી ગઈ.

જપાનના નરિતા એરપોર્ટ નજીક રહેતી અકિકોના કલેકશનમાં પીત્ઝા, સુશી, સેશિમી જેવી વાનગીઓ ઉપરાંત આઇસકીમ, સોફ્ટ કેક જેવાં ડીઝર્ટ્સ પણ છે. તેણે કરેલા આ કલેકશનને ૨૦૧૫માં ગિનેસ વર્લ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું હતું. એ પછી પણ આ કલેકશનમાં ઉમેરો થતો જ રહ્યો છે અને અકિકો પોતાનો જ વિક્રમ તોડતા રહ્યાં છે.

(11:44 am IST)