દેશ-વિદેશ
News of Saturday, 10th April 2021

સૂર્યનો સીધો તડકો પડતો હોય એવા દેશોમાં કોરોનાથી મૃત્યુ દર ઓછો હોવાનું બ્રિટનની એડિનબર્ગ યુનિવર્સીટીના વૈજ્ઞાનિકોનું તારણ

નવી દિલ્હી: બ્રિટનની એડિનબર્ગ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ એક રસપ્રદ તારણ રજૂ કર્યું હતું. બ્રિટિશ જર્નલ ઓફ ડર્મિટોલોજીમાં પ્રસિદ્ધ થયેલાં અહેવાલ પ્રમાણે જ્યાં સૂર્યનો સીધો તડકો પડે છે ત્યાં કોરોનાથી મૃત્યુદર નીચો રહ્યો હતો. ખાસ કરીને અલ્ટ્રાવાયોલેટ કિરણોનું પ્રમાણ વધારે નોંધાયું હતું એ વિસ્તારોમાં કોરોનાથી મૃત્યુદર ઓછો હતો.

એડિનબર્ગ યુનિવર્સિટીના સંશોધકોએ જાન્યુઆરી-૨૦૨૦થી એપ્રિલ-૨૦૨૦ દરમિયાન નોંધાયેલા કેસોને ધ્યાનમાં લીધા હતા. અમેરિકા ખંડના ૨૪૭૪ વિસ્તારો પર અભ્યાસ હાથ ધરાયો હતો. જે વિસ્તારોમાં સૂર્યના સીધા કિરણો પડતાં હતાં ત્યાં કોરોનાના કારણે મૃત્યુ ઓછા થયા હતા. જ્યાં અલ્ટ્રાવાયોલેટ કિરણો બહુ ઓછા મળતાં હતાં એ વિસ્તારોમાં મૃત્યુદર ઊંચો નોંધાયો હતો. સંશોધકોએ આ જ તર્જ ઉપર ઈટાલી-બ્રિટન-સ્પેન જેવા દેશોમાં કે જ્યાં ગયા વર્ષે જાન્યુઆરીથી એપ્રિલ દરમિયાન કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો ત્યાંના વિવિધ પ્રદેશોના મૃત્યુઆંકના અને કોરોના સંક્રમણના આંકડાનો અભ્યાસ કર્યો હતો. એમાં પણ આ જ તારણ નીકળ્યું હતું. અલ્ટ્રાવાયોલેટ કિરણો સીધાં ઝીલાતાં હતા એ વિસ્તારોમાં મૃત્યુદર પ્રમાણમાં ઓછો જોવા મળ્યો હતો.

(5:21 pm IST)