દેશ-વિદેશ
News of Thursday, 13th January 2022

કોવિડ મહામારીના કારણોસર દક્ષિણ આફ્રિકી દેશોમાં નાની ઉંમરની બાળકી બની રહી છે ગર્ભવતી

નવી દિલ્હી: ઉપર ફોટોમાં દેખાઈ રહી છે તે ઝિમ્બાબ્વેના ગ્રામીણ વિસ્તારમાં રહેતી 13 વર્ષીય વર્જીનિયા માવુંગા છે અને તેના ખોળામાં તેની 3 મહિનાની દીકરી તવનન્યાશા છે. તેનો આખો દિવસ કૂવામાંથી પાણા ખેંચવામાં, રસ્તાના કિનારે ફળ અને શાકભાજી વેચવામાં, ખાવાનું બનાવવામાં, સફાઈ કરવામાં અને કપડાં ધોવામાં પૂરો થઈ જાય છે. આ કામોની વચ્ચે વર્જીનિયા પોતાના 4 નાના ભાઈ-બહેનોને શાળાએ જવા માટે તૈયાર પણ કરે છે અને તેઓ પાછા આવે એટલે તેમને હોમવર્કમાં પણ મદદ કરે છે. કોવિડ મહામારી દરમિયાન ઝિમ્બાબ્વે અને અન્ય દક્ષિણી આફ્રિકી દેશોમાં નાની ઉંમરની બાળકીઓમાં ગર્ભધારણની સંખ્યામાં ખૂબ જ વધારો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે, ઝિમ્બાબ્વે ઘણાં લાંબા સમયથી નાની બાળકીઓના ગર્ભધારણ અને બાળવિવાહની સમસ્યા સામે ઝઝૂમી રહ્યું છે. કોવિડ-19 પહેલા પણ દેશમાં દર 3માંથી 1 છોકરીના લગ્ન 18 વર્ષની ઉંમર પહેલા કરી દેવાતા હતા. તેના માટે અનેક કારણો જવાબદાર છે જેમાં છોકરીઓનું પ્રેગનેન્ટ થઈ જવું, બાળવિવાહ માટે આકરા કાયદા ન હોવા, ગરીબી, સાંસ્કૃતિક અને ધાર્મિક પ્રથા વગેરેનો સમાવેશ થાય છે. કોવિડ મહામારીના કારણે આ સ્થિતિ વધારે વણસી ગઈ છે. 1.5 કરોડ લોકોની વસ્તી ધરાવતા આ દેશમાં માર્ચ 2020માં આકરૂં લોકડાઉન લાગુ કરવામાં આવેલું જેની છોકરીઓ પર ખૂબ જ ખરાબ અસર પડી. તેમને ગર્ભનિરોધક ગોળીઓ અને હોસ્પિટલની સુવિધા ન આપવામાં આવી. 

(6:42 pm IST)