દેશ-વિદેશ
News of Friday, 14th May 2021

બ્રિટનની રોયલ નેવી દુનિયાની સૌથી પહેલી અનોખી નેવી બની જેની પાસે ઉડવા માટેના સૂટ ઉપલબ્ધ છે.....

નવી દિલ્હી: બ્રિટનની રોયલ નેવી દુનિયાની એવી પહેલી નેવી બની ગઈ છે કે જેની પાસે ઉડવા માટેના જેટ સૂટ ઉપલબ્ધ છે. એરોનોટિક્સ કંપની ગ્રેવિટી ઈન્ડસ્ટ્રીએ સૂટ તૈયાર કર્યો છે. બ્રિટિશ નેવીએ તેનું સફળ પરીક્ષણ કરીને ઈતિહાસ સર્જી દીધો છે.

બ્રિટિશ રોયલ નૌકાદળના નૌસૈનિકો હવે આયરન મેન કે જેમ્સ બોન્ડની જેમ ઉડીને મિશન પાર પાડશે. રોયલ નેવી દુનિયાની એવી પહેલી નૌસૈના બની ગઈ છે કે જેની પાસે જેટ સૂટ હોય. બ્રિટનની એરોનોટિક્સ કંપની ગ્રેવિટી ઈન્ડસ્ટ્રીએ ૨૦૧૯માં જેટ સૂટની પેટન્ટ લીધી હતી અને હવે તેનું સફળ પરીક્ષણ પણ થઈ ચૂક્યું છે. જેમ ફિલ્મમાં આયરન મેન ઉડીને દુશ્મન સુધી પહોંચે છે એવું હવે રીઅલ જિંદગીમાં પણ જોવા મળશે. વિખ્યાત જાસૂસી કેરેક્ટર જેમ્સ બોન્ડને પણ ફિલ્મમાં ઉડીને દુશ્મનો સુધી પહોંચતો બતાવાયો હતો, પરંતુ હવે ખરેખર દિવસ આવી ચૂક્યો છે કે કોઈ લશ્કરી મિશન પાર પાડવા માટે રોયલ નેવીના નૌસૈનિકો ઉડીને દુશ્મનોના જહાજ સુધી પહોંચી જશે. સૂટ ૫૦થી ૮૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ઉડી શકે છે. સૂટનું વજન ૧૪૦ કિલોગ્રામ છે. સૂટની મદદથી માણસ ૧૨ હજાર ફૂટની ઊંચાઈ પહોંચી શકે છે. અત્યારે એક સૂટની કિંમત અંદાજે ૩.કરોડ રૃપિયા જેટલી થાય છે. બ્રિટિશ નેવીએ મધદરિયે તેનું પરીક્ષણ કર્યું હતું. બ્રિટિશ નૌકામાંથી ઉડીને નૌસૈનિકો નક્કી કરેલાં જહાજમાં પહોંચી ગયા હતા અને ત્યાંથી જહાજની નીચે સ્પીડ બોટમાં તૈનાત કરેલા સૈનિકોને મદદ કરીને જહાજમાં ઉપર સુધી સૈનિકો પહોંચે તેવી વ્યવસ્થા કરી આપી હતી.

(5:10 pm IST)