દેશ-વિદેશ
News of Saturday, 15th January 2022

ચીનના શિયાન શહેરમાં લોકડાઉન જીવલેણ સાબિત થઇ રહ્યું હોવાની માહિતી

નવી દિલ્હી  : શિયાન શહેરમાં લોકડાઉન જીવલેણ સાબિત થઈ રહ્યું છે. અહીં એક વ્યક્તિ છાતીમાં દુખાવો થતાં હોસ્પિટલમાં પહોંચી હતી. તે પીડાથી રડતો રહ્યો, પરંતુ હોસ્પિટલના સ્ટાફે તેને દાખલ કરવાની ના પાડી. તે હોસ્પિટલના દરવાજા પર જ પીડાથી તડપતો રહ્યો અને સ્ટાફ તેને જોતો જ રહ્યો. તે થોડીવાર બાદ મૃત્યુ પામ્યો. તેનો એકમાત્ર દોષ એ હતો કે તે એ વિસ્તારનો રહેવાસી હતો, જેને કોવિડના મીડિયમ જોખમની શ્રેણીમાં રાખવામાં આવ્યો હતો. એક મહિલાને 8 માસનો ગર્ભ હતો. જ્યારે લેબરપેઇન થયું ત્યારે તે હોસ્પિટલ પહોંચી. ડૉક્ટરોએ તેમને કહ્યું કે તેમનો કોવિડ ટેસ્ટ રિપોર્ટ માન્ય નથી. એ સમયે મહિલાને બ્લીડિંગ શરૂ થઈ ગયું હતું. મહિલાનો જીવ તો જેમ તેમ કરીને બચી ગયો, પરંતુ બાળકનું ગર્ભમાં જ મૃત્યુ થયું હતું. આવી અસંખ્ય ઘટનાઓ છે. લોકડાઉનમાં એક યુવક પાસે પેટ ભરવા માટે કંઈ નહોતું. ભૂખે તેને પ્રતિબંધોની સાંકળ તોડવા મજબૂર કર્યો હતો. તે રસ્તા પર પહોંચ્યો અને ત્યાં હાજર પોલીસ પાસે ખાવાનું માગ્યું. બદલામાં બે પોલીસકર્મીએ તેને ઢોરમાર માર્યો હતો. ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયાથી આ જ સ્થિતિ છે. ઝિયાનમાં 1 કરોડ 30 લાખ લોકો તેમનાં ઘરોમાં બંધ છે. મોટા ભાગના લોકો પાસે જીવનજરુરી ચીજવસ્તુઓ પણ નથી. બાળકોને દૂધ અને વૃદ્ધોને દવા પણ આપવામાં આવતી નથી.

(5:52 pm IST)