દેશ-વિદેશ
News of Friday, 17th June 2022

અમેરિકામાં લિપસ્ટિક બનાવતી 90 વર્ષ જૂની કંપનીએ ફુક્યું દેવાળું

નવી દિલ્હી: કૉસ્મેટીક્સ ક્ષેત્રની જાણિતી અમેરિકાની રેવલૉન ઈન્ક (Revlon Inc)એ નાદારી (Bankruptcy)માટે અરજી કરી છે. 90 વર્ષ જૂની આ અગ્રણી કંપની હવે તેના દેવાની પરત ચુકવણી કરવા માટે સક્ષમ રહી નથી. મોંઘવારી તથા સપ્લાઈ ચેઈનને લઈ સર્જાયેલી વિકટ પરિસ્થિતિએ કંપનીને નાદારી તરફ લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ ઉપરાંત કોવિડ-19ને લીધે સમગ્ર વિશ્વમાં જે ભારે અસ્થિરતાનો માહોલ છે તેમાંથી હોટેલ, ટુરિઝમ, એવિએશન ઉપરાંત ફેશન અને કૉસ્મેટીક ઉદ્યોગ પણ મંદીમાં આવી ગયો હતો. તેની રેવલૉન પર વ્યાપક અસર થઈ હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે માર્ચ મહિનાના અંત ભાગ સુધીમાં કંપની ઉપર 3.31 અબજ ડોલરનું જંગી દેવું હતું. તાજેતરમાં મેકઅપ પ્રોડક્ટ્સની માગમાં તેજી આવી કારણ કે લોકડાઉનના નિયંત્રણો હળવા થયા હતા, પણ સ્પર્ધક કંપનીઓ તરફથી રેવલૉનને ભારે સ્પર્ધાનો સામનો કરવો પડ્યો છે. પોતાના કારોબારને બચાવવા માટે કંપની ધિરાણકર્તાઓ સાથે વાતચીત કરી હતી, પણ માર્ચ મહિનામાં કંપનીએ કહ્યું હતું કે તેને સપ્લાઈ ચેઈનને લઈ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ન્યૂયોર્કની આ કંપનીનો માલિકી હક અબજપતિ કારોબારી રોન પેરેલમેનની કંપની મેકએન્ડ્ર્યુઝ એન્ડ ફોર્બ્સ પાસે છે.

(7:58 pm IST)