દેશ-વિદેશ
News of Friday, 17th September 2021

પ્રવાસીઓ માટે કોરોના વાયરસના નવા નિયમ બનાવવા માટે યુએસ કરી રહ્યું છે વિચારણા

નવી દિલ્હી: બાઇડેન સરકાર વિદેશી પ્રવાસીઓ માટે કોવિડ-૧૯ના નવા નિયમ લાગુ કરવાનું વિચારી રહી છે. વ્હાઇટ હાઉસના ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે, હાલના નિયમો મોટા ભાગના વિદેશી લોકોને અમેરિકાના પ્રવાસ કરતા અટકાવે છે અને એટલે નિયમોમાં ફેરફારની વિચારણા ચાલી રહી છે.

વ્હાઇટ હાઉસના કોરોના રિસ્પોન્સ કોઓર્ડિનેટર જેફ્રી ઝિએન્ટ્સે બુધવારે જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય પ્રવાસના નિયમન અંગે 'નવી સિસ્ટમ' અમલી ન બને ત્યાં સુધી તાજેતરમાં કોવિડના કેસોમાં વૃદ્ધિને પગલે મુસાફરીના વર્તમાન નિયમો જારી રહેશે. નવી સિસ્ટમમાં સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી)ની મહત્વની ભૂમિકાનો સમાવેશ થાય છે. ઝિએન્ટ્સે જણાવ્યું હતું કે, 'સીડીસી દેશમાં જ મુસાફરી કરતા વિદેશી પ્રવાસીઓનું મોનિટરિંગ કરી શકે એ માટે અમે કોન્ટેક્ટ ટ્રેસિંગ લાગુ કરીશું. જેથી કોઈ વ્યક્તિ સંક્રમિત હોય અથવા સંક્રમણનું જોખમ હોય એવા લોકોને ઝડપથી ઓળખી શકાય.' તેમણે કહ્યું હતું કે, 'અમેરિકાનો પ્રવાસ કરનારા વિદેશી નાગરિકો માટે વેક્સિનેશનની જરૂરિયાત અંગે અમે વિચારી રહ્યા છીએ.'

(6:39 pm IST)