દેશ-વિદેશ
News of Tuesday, 20th April 2021

રશિયાની વાયુસેનાએ સીરિયામાં એર સ્ટ્રાઇક કરતા 200 જેટલા આતંકીઓનો ખાત્મો બોલાવવામાં આવ્યો

નવી દિલ્હી: રશિયન વાયુસેનાના લડાકુ વિમાનોએ કરેલી એર સ્ટ્રાઈકમાં ઈસ્લામિક સ્ટેટના 200 જેટલા આતંકીઓનો ખાત્મો થયો હોવાના અહેવાલો મળ્યા છે. રશિયાના લડાકુ વિમાનોએ પલમાયરાના ઉત્તર પૂર્વ વિસ્તારમાં આવેલા ઈસ્લામિક સ્ટેટના બેઝને ટાર્ગેટ બનાવીને સંખ્યાબંધ મિસાઈલ્સ લોન્ચ કરી હતી. દરમિયાન સિરિયામાં રશિયન સેનાની આગેવાની કરી રહેલા રિયલ એડમિરલ કારપોવે પણ આ હુમલાને સમર્થન આપ્યુ છે. જે બેઝ પર હુમલો કરાયો છે ત્યાં આંતકીઓ વિસ્ફટકો તૈયાર કરતા હતા.આ બાબતની જાણકારી રશિયાને મળી હતી. રશિયાએ આ બેઝ તબાહ કરવા માટે વાયુસેનાના લડાકુ વિમાનોનો ઉપયોગ કર્યો હતો. રશિયાએ દાવો કર્યો છે કે, હુમલામાં 200 આતંકવાદીઓ ઉપરાંત બે મકાનો, ભારે મશિનગનોથી સજ્જ 24 ટ્રકો, 500 કિલો વિસ્ફોટકોનો ખાતમો બોલી ગયો છે. વિસ્ફોટક હથિયારો બનાવવા માટેનુ બીજુ મટિરિયલ પણ નષ્ટ કરવામાં આવ્યુ છે. આતંકીઓનો ઈરાદો સિરિયામાં થનારી ચૂંટણી પહેલા અસ્થિરતા ઉભી કરવાનો હતો.

(6:01 pm IST)