વિશ્વના આ દેશમાં આપવામાં આવે છે લોકોને સૌથી વધારે મૃત્યુદંડ

નવી દિલ્હી: ઈસ્લામિક દેશ ઈરાનમાં 3 લોકોને ફાંસી આપવામાં આવી છે. તેઓ પર ગયા વર્ષના સરકાર વિરોધી દેખાવો દરમિયાન ઈરાની સુરક્ષા દળોના ત્રણ સભ્યોના મૃત્યુમાં સામેલ હોવાનો આરોપ હતો. આ કેસમાં ઈરાનની કોર્ટે ફાંસીની સજા આપવાનો આદેશ આપ્યો હતો. ઈરાનની કોર્ટે ટ્વીટર પર એક નિવેદનમાં કહ્યું કે, માજિદ કાઝેમી, સાલેહ મિરહાશમી અને સઈદ યાઘૌબીને કેન્દ્રીય શહેર ઈસ્ફહાનમાં શુક્રવારે મૃત્યુદંડ આપવામાં આવ્યો છે. તેઓએ 16 નવેમ્બર 2022ના રોજ બાસીજ અર્ધલશ્કરી દળના બે સભ્યો અને એક પોલીસ અધિકારીને શહીદ કર્યા હતા. ઈરાન એવો મુસ્લિમ દેશ છે જ્યાં સૌથી વધુ ફાંસી આપવામાં આવે છે. શુક્રવારની ઘટના પર વિશ્વના ઘણા માનવાધિકાર સંગઠનોએ ચિંતા વ્યક્ત કરી છે. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલએ જણાવ્યું હતું કે, ત્રણેય લોકોને દોષિત ઠેરવવા માટે ફાસ્ટ-ટ્રેક ટ્રાયલ હાથ ધરવામાં આવી હતી અને તેઓને ગંભીર અત્યાચાર હેઠળ મારવામાં આવ્યા હતા. જોકે ઈરાન સરકાર આ વાતને નકારી રહી છે.
એવી માહિતી મળી રહી છે કે, ગઈકાલે ફાંસી આપવામાં આવેલા લોકોએ બુધવારે જાહેર સમર્થન માટે હસ્તલિખિત નોટમાં અપીલ કરતા કહ્યું હતું કે, અમને મારવા ન દો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી નોટમાં લખ્યું હતું કે, અમને તમારી મદદની જરૂર છે. જોકે, તેને કોઈ છૂટ ન મળતા તેઓને જાહેરમાં જાનથી મારી નાખવામાં આવ્યા હતા.
ગયા વર્ષે દેશવ્યાપી વિરોધની શરૂઆત થઈ ત્યાર બાદથી ત્યાં ઓછામાં ઓછા સાત પ્રદર્શનકારીઓનેફાંસી આપવામાં આવી છે. ત્યાં 16 સપ્ટેમ્બરે પોલીસ કસ્ટડીમાં 22 વર્ષીય ઈરાની કુર્દિશ મહિલા મહસા અમીનીના મૃત્યુ બાદ દેશવ્યાપી વિરોધ શરૂ થયો હતો. તે પ્રદર્શનોના વીડિયો સમગ્ર વિશ્વમાં જોવામાં આવ્યા હતા.