દેશ-વિદેશ
News of Tuesday, 21st March 2023

અમેરિકામા થયેલ એક સર્વે મુજબ પ્રેગ્નેન્સી દરમ્યાન મહિલાઓના મૃત્યુમાં 40 ટકાનો વધારો

નવી દિલ્હી: વિશ્વના વિકસિત દેશોની સરખામણીએ અમેરિકામાં સગર્ભાઓનાં મૃત્યુના કેસમાં 40% સુધીનો વધારો થયો છે. નેશનલ સેન્ટર ફોર હેલ્થ સ્ટેટિસ્ટિક્સના આંકડા મુજબ 2021માં 1,205 સગર્ભા સ્ત્રીઓ મૃત્યુ પામી હતી, જે 2020માં 861 મૃત્યુ હતી. 2019માં 754 સગર્ભા સ્ત્રીઓનાં મૃત્યુ થયાં. આ રીતે 2019ની સરખામણીમાં સગર્ભાઓનાં મૃત્યુમાં 60%નો વધારો થયો છે. દર વર્ષે અમેરિકામાં પ્રેગ્નન્સી કે તેના કારણે મહિલાઓનાં મૃત્યુનું પ્રમાણ વધી રહ્યું છે. શ્વેત સ્ત્રીઓ કરતાં અશ્વેત સ્ત્રીઓમાં મૃત્યુદર બમણો છે. યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને ટ્વિટર પર લખ્યું છે કે, માતૃત્વ મૃત્યુદર એક દુર્ઘટના છે જેને કોઈએ સહન ન કરવી જોઈએ. જો તમે કોઈ એવી વ્યક્તિને જાણો છો જે તાજેતરમાં ગર્ભવતી થઈ છે, તો તેમની ચિંતાઓ સાંભળો. તેમને પોતાની સંભાળ રાખવામાં મદદ કરો. તેમની પાસે ગર્ભવતી કે તાજેતરમાં ગર્ભવતી થયેલી વ્યક્તિને કેવી રીતે ટેકો આપવો તેની ટિપ્સ પણ છે. અમેરિકન કોલેજ ઓફ ઓબ્સ્ટેટ્રિશિયન્સ એન્ડ ગાયનેકોલોજિસ્ટ્સના પ્રમુખ ઈફથ અબ્બાસી હોસ્કિન્સના જણાવ્યા મુજબ કોરોના પોઝિટિવ મહિલાઓમાં ડિલિવરી દરમિયાન વેન્ટિલેટર પર જવાનું જોખમ પણ 15ગણું વધારે છે. જેમાં મૃત્યુનું જોખમ 10 ગણું છે. સાથે જ, કોરોના પોઝિટિવ મહિલાઓમાં નર્સિંગ સુવિધા કે કેર સેન્ટરમાં દાખલ થવાનું જોખમ ત્રણ ગણું વધારે છે.

 

(7:07 pm IST)