દેશ-વિદેશ
News of Wednesday, 21st September 2022

મહમ્‍મદ પયગમ્‍બરને લઇને ઇજિપ્‍તના દાવાથી હોબાળો : સાઉદી અરબ ભડક્‍યું

ઇજિપ્‍તના એક પુરાતત્‍વવિદે ઇસ્‍લામ ધર્મના છેલ્લા નબી કહેવાતા પયગમ્‍બર મોહમ્‍મદ વિશે દાવો : પયગમ્‍બર મોહમ્‍મદ મૂળ રૂપથી સાઉદી અરેબિયાના નહી પરંતુ ઇજિપ્‍તના રહેવાસી હતા

કેરો તા. ૨૧ : ઇજિપ્તના એક પુરાતત્‍વવિદે ઇસ્‍લામ ધર્મના છેલ્લા નબી કહેવાતા પયગંબર મોહમ્‍મદ વિશે દાવો કર્યો છે, જે કદાચ સાઉદી અરેબિયા સહિત ઘણા દેશોમાં મુસ્‍લિમોને પસંદ નહીં પડે. ઇજિપ્તના પુરાતત્ત્વવિદ વસીમ અલ-સિસીનો દાવો છે કે પયગંબર મોહમ્‍મદ મૂળ રૂપથી સાઉદી અરેબિયાના નહીં પરંતુ ઇજિપ્તના રહેવાસી હતા.

ટેલિવિઝન પર પ્રસારિત એક નિવેદનમાં પ્રાચીન ઇજિપ્તનું જ્ઞાન ધરાવતા પુરાતત્ત્વવિદ વસીમ અલ-સીસીએ દાવો કર્યો હતો કે પયગંબર મોહમ્‍મદ અબ્‍દ મનાફના વંશજ છે, જે ઇજિપ્ત સાથે સબંધ ધરાવે છે, જેનો સ્‍પષ્ટ અર્થ છે કે છેલ્લા પયગંબર ઇજિપ્ત સાથે સંકળાયેલા છે. પુરાતત્‍વવિદના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો હતો. ᅠજો કે, જયારે અલ-મોનિટર ન્‍યૂઝે આ દાવા વિશે કેટલાક અન્‍ય પુરાતત્‍વવિદો સાથે વાત કરી તો તેમણે તેને સંપૂર્ણપણે ખોટો ગણાવ્‍યો અને કહ્યું કે પયગમ્‍બર મોહમ્‍મદ અરબના છે.

અહેવાલો અનુસાર ઇજિપ્તના પુરાતત્‍વવિદ્‌ અહમદ અમરે કહ્યું હતું કે આ દાવો તથ્‍યોની બહાર છે. તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, આ અંગે પાક ગ્રંથ કુરાનમાં કોઈ માહિતી આપવામાં આવી નથી. અહમદ અમરે વધુમાં જણાવ્‍યું હતું કે જો પયગમ્‍બર મોહમ્‍મદ ખરેખર ઇજિપ્તના રહેવાસી હોત તો તેઓ ચોક્કસ પણે ત્‍યાં પાછા ફર્યા હોત, જેમ તેઓ મક્કામાં પોતાના ઘરે પાછા ફર્યા હતા. અહેમદ અમરે વધુમાં જણાવ્‍યું હતું કે, પયગંબરને ક્‍યારેય ઇજિપ્ત સાથે કોઈ પણ સબંધ વિશે ઉલ્લેખ નથી કર્યો.

ઇજિપ્તના પ્રાચીન સમયના નિષ્‍ણાત અને ઇજિપ્તની સુપ્રીમ કાઉન્‍સિલ ઓફ કલ્‍ચરના સભ્‍ય અબ્‍દલ રહીમ રિહાને ન્‍યૂઝ વેબસાઇટ અલ-મોનિટરને જણાવ્‍યું હતું કે ઇસ્‍લામિક હદીસ અનુસાર, કોઈ પણ શંકા વિના, પયગંબર મોહમ્‍મદની વંશાવલી અરેબિયા સાથે સંકળાયેલી છે. અબ્‍દલ રહીમ રિહાને સિસીના દાવાને નકારી કાઢતાં કહ્યું હતું કે, હદીસમાં જે અલ-કિનાના કુળનો ઉલ્લેખ કરવામાં આવ્‍યો છે તે બાનુ કિનાના જાતિનો છે અને આ જ બાનુ કિનાના જાતિ પયગમ્‍બર મોહમ્‍મદની છે. રિહાને વધુમાં જણાવ્‍યું હતું કે તે સમયે પણ આ જનજાતિ અરબ દ્વીપકલ્‍પમાં આવેલી હતી.

પુરાતત્‍વવિદે વધુમાં જણાવ્‍યું હતું કે આ કુળના કેટલાક લોકો હજુ પણ ઇરાક, જોર્ડન, ઇજિપ્ત, સુદાન અને પેલેસ્‍ટાઇનમાં રહે છે. સાથે જ કુળ સાથે જોડાયેલા કેટલાક લોકો સીરિયા અને યમન સહિત એક-બે જગ્‍યાએ રહે છે. અબ્‍દલ રહીમ રિહાને વધુમાં જણાવ્‍યું હતું કે કુરૈશ વંશ પણ કિનાના કુળનો જ એક ભાગ છે, જે બાનુ કિનાનાથી સ્‍વતંત્ર છે.

જોકે અલ-અઝહર યુનિવર્સિટીના પ્રોફેસર ફતિહા અલ હનાફીનું કહેવું છે કે પયગમ્‍બર મોહમ્‍મદ ઇજિપ્ત સાથે સબંધ હોઇ શકે છે. આની પાછળ તેમણે હઝરત ઇસ્‍માઇલના સગપણનો હવાલો આપ્‍યો હતો. ᅠપ્રોફેસર ફતિહાએ જણાવ્‍યું હતું કે ઇજિપ્તની રહેવાસી લેડી હાગર હઝરત ઇબ્રાહિમની પત્‍ની અને હઝરત ઇસ્‍માઇલની માતા હતી. અને હઝરત ઇબ્રાહિમ અને લેડી હાગર તેમના પુત્ર ઇસ્‍માઇલ સાથે ઇજિપ્તથી મક્કામાં રહેવા લાગ્‍યા, જેને હવે મસ્‍જિદ અલ હરમ પણ કહેવામાં આવે છે.

(10:28 am IST)