દેશ-વિદેશ
News of Saturday, 22nd January 2022

ચીન સહીત રશિયા સાથે અરબી સમુદ્રમાં ઇરાનના નૌકાદળે સૈન્યભ્યાસ શરૂ કર્યો હોવાની માહિતી

 

નવી દિલ્હી: ઈરાનના નૌકાદળે ચીન અને રશિયા સાથે મળીને હિન્દ મહાસાગરમાં અરબી સમુદ્રની ઉત્તરે ચાબહાર પોર્ટ પર સંયુક્ત અભ્યાસ શરૂ કર્યો છે. અલ-મોનિટરના એક રિપોર્ટ મુજબ રશિયન નૌકાદળના જહાજ સંયુક્ત સમુદ્રી અભ્યાસ માટે ઈરાનનો પ્રવાસ કરી રહ્યા છે. ઈરાનના સરકારી ટીવીએ જણાવ્યું હતું કે રશિયાના ડિસ્ટ્રોયર સહિત ત્રણ જહાજ અને ચીનના બે વેસલ્સ સાથે તેના ૧૧ વેસલ્સ સંયુક્ત યુદ્ધાભ્યાસમાં જોડાયા છે. નાના જહાજો અને હેલિકોપ્ટર્સ સાથે ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ પણ યુદ્ધાભ્યાસમાં ભાગ લેશે. ત્રણેય દેશના જહાજો અરબી સમુદ્રની ઉત્તરે ચાબહાર પોર્ટ ખાતે રાત્રી લડાઈ, બચાવ અભિયાન અને ફાયરફાઈટિંગ ડ્રિલ્સ સહિત ૧૭,૦૦૦ ચો. કિ.મી. વિસ્તારમાં યુદ્ધાભ્યાસ હાથ ધરશે. વર્ષ ૨૦૧૯ પછી ત્રણેય દેશોના નૌકાદળ વચ્ચે ત્રીજો સંયુક્ત યુદ્ધાભ્યાસ છે. અગાઉ રશિયાના પ્રશાંત મહાસાગરના કાફલાના અધિકારીએ જણાવ્યું કે એક મિસાઈલ ક્રુઝર, સબમરીન વિરોધી યુદ્ધજહાજ અને એક ટેન્કર દક્ષિણ-પૂર્વીય ઈરાનના ચાબહાર બંદર પર પહોંચી ગયા હતા. જહાજ ગયા મહિને વ્લાદિવોસ્તોકથી રવાના થયા હતા. ફેબુ્રઆરી ૨૦૨૧માં પણ ઈરાન અને રશિયાના નૌકાદળોએ સંયુક્ત અભ્યાસ કર્યો હતો. તાજેતરના વર્ષોમાં બંને દેશોએ મધ્ય-પૂર્વના ક્ષેત્રમાં ચીન સાથે ઓછામાં ઓછા બે વખત સંયુક્ત અભ્યાસ કર્યો હતો.

(5:28 pm IST)