દેશ-વિદેશ
News of Thursday, 23rd March 2023

કેલિફોર્નિયામાં ફરી વાવાઝોડાના કારણોસર બે ના મૃત્યુ

નવી દિલ્હી: અમેરિકાના પશ્ચિમ તટીય રાજ્ય કેલિફોર્નિયામાં ફરી એક વખત ચક્રવાત વાવાઝોડું ત્રાટક્યું છે. ઉત્તરી કેલિફોર્નિયામાં એક ચક્રવાતી વાવાઝોડું આવ્યું હતું જેના કારણે વીજળીની લાઇનને મોટા પાયે નુકસાન થયું છે. જેના કારણે ૧,૫૦,૦૦૦ લોકોના મકાનોમાં અંધારપટ છવાઇ ગયો હતો. મોટા ભાગના રાજ્યમાં વીજ પુરવઠો ઠપ થઇ ગયો છે. ઝડપી પવનોને કારણે વીજળીના થાંભલાઓ પણ ધ્વસ્ત થઇ ગયા છે. બ્લૂમબર્ગના અહેવાલ અનુસાર સાન ફ્રાન્સિસ્કો ઇન્ટરનેશનલ એરપોર્ટ પરની ફલાઇટોને પણ આ વાવાઝોડાને કારણે અસર થઇ હતી. ભયંકર તોફાનને કારણે અનેક ફલાઇટો રદ કરવી પડી છે. આ વાવાઝોડાને કારણે બે લોકોનાં મોત થયા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અગામી દિવસોમાં પણ વાવાઝોડાની અસર જોવા મળશે. લોસ એન્જેલસમાં કેલિફોેર્નિયા યુનિવર્સિટીના એક જળવાયુ વૈજ્ઞાાનિક ડેનિયલ સ્વેને  જણાવ્યું હતું કે આ એક હિંસક અને અચાનક આવેલું વાવાઝોડું હતું. આપણે કદાચ એવી અસરને જોઇ રહ્યાં છે જે એક ઉષ્ણ કટિબંધીય વાવાઝોડું અથવા એક ચક્રવાતી તોફાન સમાન છે. ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર ૫૫ યાત્રીઓને લઇ જતી એમટ્રેક ટ્રેન પાટા પરથી ખડી પડીને ઝાડ સાથે અથડાઇ હતી. જો કે સદનસીબે આ ઘટનામાં કોઇને પણ ઇજા થઇ ન હતી.

(7:07 pm IST)