દેશ-વિદેશ
News of Friday, 24th June 2022

યુક્રેનને મદદ કરનાર દેશો પર રશિયાએ સાયબર હુમલો કર્યો હોવાની માહિતી

નવી દિલ્હી: માઈક્રોસોફ્ટે બુધવારે એક અહેવાલમાં દાવો કર્યો હતો કે યુક્રેન સાથે યુદ્ધ શરૂ થયા બાદથી રશિયાએ યુક્રેન અને તેની મદદ કરનારા દેશો વિરુદ્ધ હેકિંગના પ્રયાસો તેજ કરી દીધા હતા. રશિયા અમેરિકા અને તેના સરકારી કમ્યૂટર નેટવર્કને પણ નિશાન બનાવી રહ્યું છે. માઈક્રોસોફ્ટે જણાવ્યું કે રશિયાએ કથિત હેકિંગથી 42 દેશોની ગુપ્ત માહિતી એકઠી કરી છે. રશિયા હેકિંગના પ્રયાસોમાં 29 ટકા વખત સફળ રહ્યું છે અને આ પ્રયાસોમાં તેને 7.25% વખત ડેટા ચોરી કરવામાં સફળતા પ્રાપ્ત થઇ હતી. રશિયાનું સૈન્ય લુહાન્સ્ક અને ડોનેત્સ્કમાં બોમ્બમારો કરી રહ્યું છે. રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 4 મહિનાથી યુદ્ધ જારી છે. દરમિયાન રિપોર્ટર્સ વિધાઉટ બોડર્સના એક અહેવાલ અનુસાર રશિયાના સૈનિકોએ યુક્રેની ફોટો જર્નાલિસ્ટ માક્સ લેવિન અને તેના મિત્ર ઓલેક્સી ચેર્નિશોવની હત્યા કરી હતી. દાવો કરાયો છે કે 13 માર્ચે યુક્રેનની રાજધાની કીવ નજીક એક જંગલમાં આ હત્યા કરાઈ હતી. પહેલાં રશિયાના સૈનિકોએ માક્સ અને તેના મિત્રની પૂછપરછ કરી પછી તેમને યાતનાઓ આપી તેમની હત્યા કરી દીધી.

(6:21 pm IST)