દેશ-વિદેશ
News of Wednesday, 25th May 2022

યુક્રેનમાં મારિયૂપોલના એક એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાંથી મળી આવી 200 લાશ

નવી દિલ્હી: છેલ્લાં 3 મહિનાથી સતત રશિયા દ્વારા યુક્રેન પર હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. રશિયા દ્વારા કરવામાં આવી રહેલા હુમલાઓના કારણે યુક્રેનના કીવ, મારિયુપોલ, ખારકીવ અને સૂમી સહિતના તમામ શહેરો લગભગ તબાહ થઈ ગયા છે. આ હુમલાઓમાં હજારો લોકોના મોત થયા છે અને એવી સ્થિતિ સર્જાઈ છે કે, ઈમારતોના કાટમાળમાંથી સતત મૃતદેહ મળી રહ્યા છે. તાજેતરમાં મારિયુપોલના એક એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં ખોદકામ દરમિયાન મજૂરોને 200 જેટલા મૃતદેહ મળી આવ્યા હતા. મારિયુપોલના મેયરના સલાહકાર પેટ્રો એંડ્રીશચેંકોએ આ મૃતદેહો સડી રહ્યા હતા તેવી માહિતી આપી છે. મૃતદેહોની દુર્ગંધ પાડોશમાં રહેતા લોકો સુધી પહોંચવા લાગી હતી. આટલી મોટી સંખ્યામાં મૃતદેહ મળી આવ્યા તે હુમલો કેટલો ભયાનક હશે તે દર્શાવે છે. આ તરફ યુક્રેનના ડોનબાસમાં પણ લડાઈ ચાલુ છે. રશિયાની સેના શહેર પર કબજો જમાવવા સતત પ્રયત્નો કરી રહી છે. અગાઉ રશિયન સેનાએ થર્મલ પાવર ધરાવતા ઔદ્યોગિક શહેર પર કબજો જમાવ્યો હતો. 

 

(6:37 pm IST)