દેશ-વિદેશ
News of Friday, 26th February 2021

મહેલને બચાવવા લીધો કાયદાનો સહારો

બર્લિનમાં એક રાજકુમાર પુત્રએ ૧૩૫ રૂમનો મહેલ ફકત ૮૭ રૂપિયામાં વેંચી દેતા પિતાએ કર્યો કેસ

બર્લિન,તા.૨૬: બર્લિનમાં એક રાજકુમાર પુત્રએ ૧૩૫ ઓરડા ધરાવતા પૂર્વજોના મહેલને ફ્કત ૮૭ રૂપિયામાં જ વેચી દીધો છે. આ સાંભળીને જરૂરથી આશ્ચર્ય થશે, પણ આ સંપૂર્ણપણે સત્ય છે. હવે આ જ મહેલને બચાવવા માટે ૬૬ વર્ષીય રાજા પિતા પોતાના ૩૭ વર્ષના પુત્ર સામે કેસ કરતાં કોર્ટમાં પહોંચ્યા છે.

હકીકતમાં જર્મન શહેર હનોવરના રાજા અર્નસ્ટ ઓગસ્ટે પોતાનો ૧૩૫ રૂમનો મેરીનબર્ગ મહેલ વર્ષ ૨૦૦૦માં પોતાના પુત્ર ઓગસ્ટ જુનિયરને સોંપી દીધો હતો. તેમના પુત્ર ઓગસ્ટ જુનિયરે વર્ષ ૨૦૧૮માં ઓછામાં ઓછી કિંમતે મેરીનબર્ગ મહેલને સરકારને સોંપવાની જાહેરાત કરી દીધી હતી .

ત્યાર બાદ અર્નસ્ટ ઓગસ્ટ જુનિયરે મહેલને ફ્કત એક યુરો (લગભગ ૮૭ રૂપિયા)માં વેચી દીધો છે. તેણે આ પાછળનું કારણ જણાવ્યું હતું કે મહેલના સમારકામ માટે ૨૩ મિલિયન પાઉન્ડની જરૂરિયાત હતી જે તેની પાસે ન હતા. પુત્રના આ નિર્ણય બાદ હવે મહેલને બચાવવા માટે અર્નસ્ટ ઓગસ્ટ કાયદાનો સહારો લઈ રહ્યા છે અને પોતાના પુત્ર સામે કેસ કર્યો છે.

તેમણે પોતાના પુત્ર પર અનેક ગંભીર આરોપો પણ લગાવ્યા છે અને આ સાથે મહેલની વાપસીની પણ માગ કરી છે. મેરીનબર્ગ મહેલનું નિર્માણ ૧૮૬૭માં થયું હતું અને રાજા અર્નસ્ટે તેણે વર્ષ ૨૦૦૦માં પોતાના પુત્રને સોંપી દીધો હતો. રાજા ઓગસ્ટે જણાવ્યું હતું કે તેમના પુત્રએ તેમની સાથે દગો કરતાં તેમની પીઠ પાછળ આ સોદો કર્યો હતો જે બાબતની તેમને કોઈ જાણકારી પણ ન હતી. તેમણે પોતાના પુત્ર પર અધિકારો અને હિતોના ઉલ્લંદ્યનનો આરોપ લગાવ્યો છે.

તેમણે કહ્યું હતું કે પુત્રની આ કરતૂતના કારણે તેઓ ઓસ્ટ્રેલિયાના એક લોજમાં રહેવા માટે મજબૂર બન્યા છે અને બીમાર હોવા ઉપરાંત પણ આર્થિક મદદ મળી રહી નથી.

જાણકારો મુજબ રાજકુમાર અર્નસ્ટ ઓગસ્ટ નોવાર રાજવંશથી સંબંધ ધરાવે છે અને તેઓ બ્રિટનની મહારાણી એલિઝાબેથના દૂરના પિત્રાઈ ભાઈ પણ છે.

(10:12 am IST)