દેશ-વિદેશ
News of Friday, 27th January 2023

26હજાર આઈસ્ક્રીમ સ્ટિકથી રંગોળી બનાવી સિંગાપોર બુક ઓફ રેકોર્ડમાં મેળવ્યું સ્થાન

નવી દિલ્હી: સિંગાપોરમાં 26000 આઈસ્ક્રીમ સ્ટિક વડે પ્રસિદ્ધ તમિલ વિદ્વાનો અને કવિઓની 6 મીટર લાંબી અને આટલી જ પહોળી રંગોળી બનાવવા માટે એક ભારતીય મહિલા અને તેની દીકરીનું નામ સિંગાપોર બુક ઓફ રેકોર્ડ્સમાં સામેલ કરાયું છે. સુધા રવિ અગાઉ 2016માં 3200 ચો. ફૂટ લાંબી રંગોળી બનાવી સિંગાપોર બુક ઓફ રેકોર્ડસમાં સ્થાન મેળવવામાં સફળ રહી હતી. તેમણે પોતાની દીકરી રક્ષિતા સાથે મળીને અહીં લિટલ ઈન્ડિયા કેમ્પસમાં પોંગલના ઉપલક્ષ્યમાં આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં 26000 આઈસ્ક્રિમ સ્ટિક વડે તૈયાર કરેલી રંગોળી પ્રદર્શિત કરી હતી. આ રંગોળી બનાવતા તેમને એક મહિનાથી પણ વધુ સમય લાગ્યો હતો. આ રંગોળીમાં તમિલ ભાષાના પ્રસિદ્ધ કવિઓ અને વિદ્વાનોને દર્શાવાયા છે જેમાં તિરુવલ્લુવર, અવ્વૈયાર, ભરથિયા અને ભારતીદાસન સામેલ છે. તેને તમિલ સાંસ્કૃતિક સંગઠન કલામંજરી અને લિટલ ઈન્ડિયા શોપકીપર્સ એન્ડ હેરિટેઝ એસોસિએશન દ્વારા આ વિદ્વાનો અને કવિઓની કલાકૃતિઓના સન્માનમાં આયોજિત કાર્યક્રમમાં પ્રદર્શિત કરાઈ હતી. રંગોળી કળામાં માહેર સુધા રવિ સામાન્ય રીતે લોટ, ચોક અને ચોપસ્ટિક વડે રંગોળી તૈયાર કરે છે. પણ તમિલ વિદ્વાનો અને કવિઓ પર આધારિત રંગોળી ઉકેરવા માટે તેમને આ વખતે આઈસ્ક્રિમ સ્ટીકની મદદ લીધી હતી. 

(4:55 pm IST)