દેશ-વિદેશ
News of Monday, 30th January 2023

સાઉથ આફિકામાં ઘરમાં ચાલતી બર્થડે પાર્ટીમાં ઘુસી આવ્યા 2 હુમલાખોર:ઘરના માલિક સહીત અન્ય 8ની હત્યા

નવી દિલ્હી: સાઉથ આફ્રિકાના કેપ રાજ્યમાં એક બર્થ ડે પાર્ટીમાં ગોળીબાર થયો. આ ઘટનામાં 8 લોકોના મોત થઈ ગયાં અને 3 લોકો ગંભીર રીતે ઘાયલ થઈ ગયાં. પોલીસના જણાવ્યા પ્રમાણે, ઘટના રવિવાર સાંજે 5.15 થી 5.30ના સમયગાળા દરમિયાન બની છે. બે હુમલાખોર એક ઘરમાં ઘૂસ્યા અને ફાયરિંગ શરૂ કરી દીધું. ઘટના પછી હુમલાખોરો ઘટનાસ્થળેથી ભાગી ગયાં. અત્યાર સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. પોલીસ હુમલાખોરની શોધમાં છે. અત્યાર સુધી આ હુમલા કરવા પાછળનું કારણ પણ સામે આવ્યું નથી.

પોલીસે કહ્યું- ઘરનો માલિક પોતાનો જન્મદિવસ ઊજવી રહ્યો હતો. અનેક ગેસ્ટ પણ આવ્યાં હતાં. ત્યારે જ બે હુમલાખોર આવ્યા અને ફાયરિંગ શરૂ કરી દીધું. આ હુમલામાં જન્મદિવસ ઊજવી રહેલાં ઘરના માલિક સહિત 8 લોકો મૃત્યુ પામ્યા છે. ગયા વર્ષે 10 જુલાઈના રોજ થોડાં કલાકના સમયગાળામાં થયેલી ફાયરિંગની બે ઘટનાઓમાં 19 લોકો માર્યા ગયાં. પિસ્તોલ અને રાઇફલથી હુમલાખોરોએ સોવેટો ટાઉનશિપમાં હુમલો કરી દીધો હતો. આ હુમલામાં 9 લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયાં હતાં.

(7:26 pm IST)