દેશ-વિદેશ
News of Friday, 30th September 2022

કાબુલની એક શૈક્ષણિક સંસ્થામાં થયેલ આત્મઘાતી હુમલામાં 20 વિદ્યાર્થીઓના મૃત્યુના સમાચાર

નવી દિલ્હી: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ ફરી એક વખત બોમ્બ વિસ્ફોટથી હચમચી ઉઠી છે. કાબુલના શિયા બહુમતીવાળા વિસ્તારમાં આવેલી એક શૈક્ષણિક સંસ્થામાં આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. આત્મઘાતી હુમલાખોરે કરેલા વિસ્ફોટ વખતે સેંકડો વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા હતા. હુમલામાં 20 લોકોના મોતની જાણકારી સામે આવી છે. જ્યારે 27 કરતા વધારે બીજા લોકો ઘાયલ થયા છે. આ હુમલાની જવાબદારી હજી સુધી કોઈ આતંકી સંગઠને લીધી નથી. સ્થાનિક મીડિયા દ્વારા જે વિડિયો અને તસવીરો જાહેર કરવામાં આવી છે. તેમાં લોહીથી લથપથ લોકોને જોઈ શકાય છે. વિસ્ફોટ બાદ અહીંયા બચાવકામગીરી હાથ ધરવામાં આવી હતી. અફઘાનિસ્તાનના એક પત્રકારે તો દાવો કર્યો હતો કે, હુમલામાં 100ના મોતની આશંકા છે. એવુ પણ કહેવાઈ રહ્યુ છે કે, મરનાર વિદ્યાર્થીઓમાં મોટાભાગે ગર્લ્સ છે. હુમલા માટે શંકાની સોય ઈસ્લામિક સ્ટેટ તરફ પણ ચિંધાઈ રહી છે. કારણકે ભૂતકાળમાં પણ આ સંગઠને શિયાઓ પર હુમલા કર્યા છે.

(5:44 pm IST)