દેશ-વિદેશ
News of Friday, 30th September 2022

ફ્લોરિડામાં આવેલ વાવાઝોડાએ 25 લાખ ઘરોને વીજળી વિહોણા કર્યા

નવી દિલ્હી: અમેરિકામાં ઈયાન વાવાઝોડાંએ હાહાકાર મચાવ્યો છે. નેશનલ હેરિકેન સેન્ટરે લોકોને ચેતવણી આપી છે. ફ્લોરિડામાં બચાવ ટૂકડીઓએ લોકોને સલામત સ્થળે ખસેડવાના પ્રયાસો હાથ ધર્યા હતા અને જીવન જરૂરી ચીજવસ્તુઓ પહોંચાડવાની કામગીરી પણ હાથ ધરાઈ હતી. અમેરિકા પર ત્રાટકેલા સૌથી શક્તિશાળી વાવાઝોડાંમાં ઈયાનનો સમાવેશ થઈ રહ્યો છે. ઠેર-ઠેર પાણી ભરાઈ જતાં જનજીવન ઠપ થઈ ગયું છે.

અમેરિકાના નેશનલ હેરિકેન સેન્ટરે જીવના જોખમની ચેતવણી આપી હતી અને આ વાવાઝોડાંને અમેરિકાના સૌથી શક્તિશાળી વાવાઝોડાં પૈકીનું એક ગણાવ્યું છે. ફ્લોરિડાના કાંઠે ૨૪૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ભારે પવન ફૂંકાયો હતો. વાવાઝોડાંનો વિસ્તાર ૬૫૦ કિલોમીટર સુધી ફેલાયેલો હતો. તીવ્ર પવનના કારણે અસંખ્ય વૃક્ષો ધરાશાયી થયા હતા. લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયું હતું. રસ્તાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. મોબાઈલ ટાવરોમાં નુકસાન થઈ જતાં મોબાઈલ નેટવર્કને વ્યાપક અસર થઈ હતી. સૌથી વધુ અસર ફ્લોરિડાના લી કાઉન્ટીમાં થઈ હતી. લી કાઉન્ટીના શેરિફે કહ્યું હતું કે મોબાઈલમાં નેટવર્ક આવતું ન હોવાથી એકબીજાનો સંપર્ક તૂટી ગયો છે. લાઈન સતત વ્યસ્ત આવતી હોવાથી મુશ્કેલી પડી રહી છે. લોકોને મદદ પહોંચે તે માટેના પ્રયાસો હાથ ધરાયા છે.

(5:45 pm IST)