દેશ-વિદેશ
News of Monday, 29th November 2021

મિશીગનના હૅમટ્રૅમ્ક શહેરની ગલીમાંથી પસાર થવાથી થાય છે આટલા શહેરના પ્રવાસનો અનુભવ

નવી દિલ્હી: મિશિગનના હૅમટ્રૅમ્ક શહેરની ગલીમાંથી પસાર થતાં સમગ્ર દુનિયાના પ્રવાસે નીકળ્યા હો તેવો જ કંઈક અનુભવ થાય છે. અહીં પોલૅન્ડનું સૉસેજ સ્ટોર, પૂર્વ યુરોપની બેકરી, યમનનું ડિપાર્ટમેન્ટલ સ્ટોર અને બંગાળી કપડાંની દુકાન બધું એક જ લાઇનમાં દેખાય છે. અહીં ચર્ચના ઘંટ અને અજાનનો અવાજ એકસાથે કાને પડે છે. બે વર્ગ માઇલના આ શહેર વિશે કહેવાય છે કે આ શહેર નહીં એક વિશ્વ છે અને અહીં આવીને તેનો અહેસાસ પણ થાય છે. 28 હજારની વસતીવાળા આ મધ્ય-પશ્ચિમમાં આવેલા શહેરે આ અઠવાડિયે ઇતિહાસ રચ્યો છે. અહીંની સિટી કાઉન્સિલમાં તમામ મુસ્લિમ લોકો ચૂંટાઈ આવ્યા છે. અહીંના મેયર પણ મુસ્લિમ છે. આ અમેરિકાનું એવું પહેલું શહેર બની ગયું છે જ્યાનું નગરીય પ્રશાસન મુસ્લિમના હાથમાં છે. એક સમયે અહીંના મુસ્લિમોને ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો. હવે તેઓ એક બહુવંશીય સમુદાયનો એક મહત્ત્વપૂર્ણ ભાગ બની ચૂક્યા છે. શહેરની અડધી વસતી હાલ મુસ્લિમ છે. અમેરિકાની વિવિધતામાં વધારો થઈ રહ્યો છે અને આ શહેરને સારા ભવિષ્યના ઉદારહરણ તરીકે જોવામાં આવી રહ્યું છે. પરંતુ અહીં પ્રશ્ન એ છે કે શું હૅમટ્રૅમ્ક એક અપવાદમાત્ર બનીને તો નહીં રહી જાય ને?

(5:45 pm IST)