દેશ-વિદેશ
News of Friday, 31st March 2023

નોર્ડ સ્ટ્રીમ ગેસલાઇન નજીક ભેદી વસ્તુ જોવા મળતા રશિયા પર ડેન્માર્કનો આરોપ

નવી દિલ્હી: નોર્ડ સ્ટ્રીમ ગેસ પાઈપલાઈનની નજીક ડેનમાર્કની દરિયાઈ હદમાં એક રહસ્યમય વસ્તુ દેખાતા રશિયા પર જાસૂસીનો આરોપ લાગ્યો છે. ગેસ સિલિન્ડરના આકારનો એક ભેદી પદાર્થ શું છે તે બાબતે ડેનમાર્કની સરકારે તપાસ હાથ ધરી છે. જોકે, રશિયાએ આ આરોપને નકાર્યો હતો અને કોઈ જાસૂસી ઉપકરણ લગાવ્યું ન હોવાની સ્પષ્ટતા કરી હતી. ડેનમાર્કના ડિફેન્સ મંત્રાલયે નોર્ડ સ્ટ્રીમ ગેસની પાઈપલાઈન નજીક કોઈ રહસ્યમય વસ્તુ જોતા રશિયાએ જાસૂસી ઉપકરણ કે પછી હથિયારો ગોઠવ્યા હોવાની શક્યતા વ્યક્ત કરી હતી. ડેનમાર્કની હદના દરિયામાંથી નીકળતી આ ગેસલાઈન પાસે ભેદી વસ્તુ દેખાતા રશિયાએ ડ્રોન અથવા હથિયાર ગોઠવ્યાની અટકળો વચ્ચે રશિયાએ બચાવમાં નિવેદન આપ્યું હતું કે ડેનમાર્ક આરોપ લગાવવાના બદલે પહેલાં એ ચીજને બહાર કાઢીને એનું પરીક્ષણ કરે, અમે કોઈ રહસ્યમય પદાર્થ જાસૂસીના હેતુથી ગોઠવ્યો નથી. પાઈપલાઈનની માલિકી ધરાવતી કંપનીએ પણ એ રહસ્યમય પદાર્થ બાબતે ડેનમાર્કની તપાસને સમર્થન આપ્યું હતું. ડેનમાર્કના સંરક્ષણ વિભાગના અધિકારીઓને શંકા છે કે રશિયાએ કોઈ હથિયાર ગોઠવ્યું છે, પરંતુ એનો વિસ્ફોટ થયો નથી. એ પદાર્થ ૧૬ ઈંચ લાંબો અને ચાર ઈંચ પહોળો છે અને એ કોઈ મેરિટાઈમ ઉપકરણ હોવાની સંભાવના છે. આ પ્રકારના ઉપકરણો કટોકટીમાં મેસેજ મોકલવાનું કામ કરે છે.

(6:56 pm IST)