Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

કોરોના સારવારના ખર્ચ પર ટેક્સ છૂટ આપવાની તૈયારી

નાણામંત્રી બજેટ ૨૦૨૧માં જાહેરાત કરી શકે છે : કોરોનાથી સ્વાસ્થ્ય ખરાબ થયું હતું અને સારવારમાં ભારે ખર્ચ થઇ ગયો છે તો સમાચાર તમને મોટી રાહત આપશે

નવીદિલ્હી, તા. ૩૧ : કોરોનાના કહેરથી જો તમારું સ્વાસ્થ્ય ખરાબ થયું હતું અને સારવારમાં ભારે ખર્ચ પણ થઇ ગયો છે તો આ સમાચાર તમને મોટી રાહત આપશે. ખબર છે કે બજેટમાં મોદી સરકાર કોરોના સારવારમાં ખર્ચ થયેલા પૈસાને ટેક્સ કપાતમાં સામેલ કરી શકે છે.

તમારી વાર્ષિક આવક પર સરકાર ઇનકમ ટેક્સ લે છે. જો કોરોના સારવારમાં ખર્ચ કરવામાં આવેલી રકમને સરકાર ટેક્સ ડિડક્શનમાં સામેલ કરી લે છે તો તમારી ઇનકમનો એક મોટો ભાગ ટેક્સ ફ્રી થઇ જશે. આ જાહેરાતથી તે તમામ લોકોને મોટી રાહત મળશે જે કોરોના સંક્રમિત થયા હતા અને સારવારમાં મોટી રકમ ખર્ચ કરવામાં આવી હતી.

મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે બજેટમાં તેની જાહેરાત કરવામાં આવી શકે છે. આ ઉપરાંત પોતાના રિસોર્સિઝ વધારવા માટે સરકાર બજેટમાં કોવિડ બોંડ્સ જેવી કોઇ નવી કેટેગરીને ટેક્સ સેવિંગ બોડ્સ લાવી શકે છે. આ બોડ્સ પર સરકાર ટેક્સ ડિડક્શનની સુવિધા આપી શકે છે.  

આખી દુનિયા સાથે ભારતમાં પણ કોરોનાએ તબાહી મચાવી. આંકડા અનુસાર ૧૦ કરોડથી વધુ લોકો સંક્રમિત થયા અને ૧ લાખ ૫૦ હજારથી વધુ લોકોના મોત થયા હતા. હાલ ભારતમાં કોરોના વેક્સીનેશનનું કામ શરૂ થઇ ચૂક્યું છે જોકે કોરોના અત્યારે સંપૂર્ણપણે અટક્યો નથી. આખા દેશમાંથી દરરોજ ૧૦૦થી વધુ કેસ સામે આવી રહ્યા છે અને તેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. કોરોના મહામારીના લીધે તે આ વખતે બજેટમાં હેલ્થ સેક્ટર પર વધુ ભાર રહેવાની આશા છે. લગભગ નક્કી માનવામાં આવે છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણના પટારામાંથી હેલ્થ સેક્ટર પર વધુ ધન વરસશે. હાલ જીડીપીનો ૧.૪ ટકા ભાગ હેલ્થ સેક્ટર પર ખર્ચ કરવામાં આવી રહ્યો છે પરંતુ આશા છે કે સરકાર તેને વધારીને બમણો કરી શકે છે કારણ કે સરકારનો ટાર્ગેટ ૨૦૨૪ સુધી જીડીપીના ૪ ટકા ભાગ હેલ્થ સેક્ટર પર ખર્ચ કરવાનો છે.

(12:00 am IST)