Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

દેશમાં બે દિવસથી કોરોનાના કેસનો આંક ૧૪૦૦૦ની અંદર

કોરોનાના કુલ મૃતાંક ૧,૫૪,૨૭૪ થઈ ગયા છે : ભારતમાં આગામી અઠવાડિયામાં એક્ટિવ કેસનો આંકડો દોઢ લાખની અંદર પહોંચે તેવી સંભાવનાઓ વધી ગઇ

નવી દિલ્હી, તા. ૩૧ : ભારતમાં કોરોના વાયરસના કેસમાં ફરી એકવાર સંખ્યા ઊંચી ગયા બાદ શુક્રવારના અને આજે આવેલા શનિવારના આંકડામાં ફરી એકવાર ઘટાડો નોંધાતા હાશકારો થયો છે. ગુરુવારના કેસ ૧૮,૦૦૦ને પાર પહોંચ્યા બાદ શુક્રવાર અને શનિવારે ૧૩,૦૦૦ સામાન્ય વધુ કેસ નોંધાયા છે. દેશમાં ૨૬મી જાન્યુઆરીએ કોરોનાના કેસનો આંકડો ૯૦૦૦ની નજીક પહોંચ્યા બાદ ફરી એકવાર કેસની સંખ્યામાં વધારો થયા બાદ ચિંતા વધી હતી પરંતુ આ પછી ૨ દિવસમાં સ્થિતિ ફરી નિયંત્રણમાં આવતી દેખાઈ રહી છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ભારતમાં શનિવારે ૧૩,૯૫૨ નવા કેસ નોંધાયા છે, જેની સામે ૧૩,૯૬૫ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે અને ૨૪ કલાકમાં ૧૨૭ દર્દીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે.

દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો ૧,૦૭,૪૬,૧૮૩ થયો છે જેમાં એક્ટિવ કેસ ૧,૬૮,૭૮૪ છે અને સાજા થયેલા દર્દીઓની સંખ્યા ૧,૦૪,૨૩,૧૨૫ થઈ છે. ભારતમાં કોરોનાના કુલ મૃત્યુઆંક ૧,૫૪,૨૭૪ થઈ ગયા છે.

ICMR (Indian Council of Medical Research)ના જણાવ્યા પ્રમાણે રવિવારે જણાવ્યું કે, *૩૦ જાન્યુઆરી સુધીમાં કુલ ૧૯,૬૫,૮૮,૩૭૨ લોકોના કોરોના માટે સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી ૭,૫૦,૯૬૪ના સેમ્પલ ગઈકાલે લેવામાં આવ્યા છે.*

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષ વર્ધને શનિવારે જણાવ્યું કે, આપણા દેશમાં દુનિયાનું સૌથી મોટું રસીકરણ અભિયાન ભારતમાં ચાલી રહ્યું છે. શરુઆતના ૧૫ દિવસમાં દેશમાં ૩૭ લાખ કરતા વધુ લોકોને રસી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય મંત્રાલયની પ્રેસ રિલિઝમાં જણાવવામાં આવ્યું છે, *દેશમાં કોરોના વાયરસ સામે લડવા માટે ૧૫ દિવસમાં ૩૭ લાખ સ્વાસ્થ્ય કર્મીઓને રસી આપવામાં આવી છે.* જેમાં શનિવારે સાંજના ૭ વાગ્યા સુધીમાં ૨,૦૬,૧૩૦ લોકોને રસી આપવામાં આવી છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં કોરોના વાયરસના આંકડામાં શનિવારે સૌથી વધુ ૬,૨૬૮ કેસ કેરળમાં નોંધાયા છે, જે પછી મહારાષ્ટ્રમાં ૨,૭૭૧ કેસ નોંધાયા છે. જ્યારે તામિલનાડુમાં ૫૦૯ નવા કેસ નોંધાયા છે.

(12:00 am IST)