Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

તૃણમુલ કોંગ્રેસને ઉખાડીને ફેંકી દઈશું : ગૃહમંત્રી અમિત શાહ

બંગાળમાં ચૂંટણી રેલીમાં અમિત શાહ ગર્જ્યા : હાવડામાં થઇ રહેલી રેલીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હાવડા રેલીને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધન કર્યું

હાવડા, તા. ૩૧ : દેશના ગૃહમંત્રી અમિત શાહે આજે પશ્ચિમ બંગાળના હાવડામાં થઈ રહેલી ભાજપની રેલીને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરી. તેમણે આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીતનો દાવો કર્યો. આ દરમિયાન અમિત શાહે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી અને તેમની સરકાર પર આકરા પ્રહાર કર્યા.

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આવનારી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે અને તૃણમૂલ કોંગ્રેસને ઉખાડી ફેંકીશું. ૧૦ વર્ષમાં ટીએમસીએ શું કર્યું? અહીં તાનાશાહી અને તૃષ્ટિકરણ કરાયું. મમતા બેનરજીને પશ્ચિમ બંગાળની જનતા ક્યારેય માફ કરશે નહીં.

અમિત શાહે વધુમાં કહ્યું કે ૧૦ વર્ષ પહેલા પશ્ચિમ બંગાળની જનતા પરિવર્તન ઈચ્છતી હતી. જનતા ઈચ્છતી હતી કે તેમના ઘરમાં વીજળી પહોંચે. પાણી પહોંચે. પરંતુ મમતા બેનરજીની સરકારે આવું કર્યું નહીં. આ બધા વચ્ચે પીએમ મોદીની સરકારે પશ્ચિમ બંગાળની જનતાને ઉજ્જવલા યોજના  હેઠળ ફ્રીમાં એલપીજી સિલિન્ડર આપ્યા અને જનધન યોજના હેઠળ ખાતા ખોલ્યા. અમિત શાહે પોતાના સંબોધન દરમિયાન વચન આપ્યું કે પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર બનતા જ પહેલી કેબિનેટ બેઠકમાં પ્રધાનમંત્રી આયુષ્યમાન સ્વાસ્થ્ય વીમા યોજનાને લાગુ કરવામાં આવશે. પશ્ચિમ બંગાળના દરેક રહીશને આ સ્વાસ્થ્ય વીમા યોજનાનો લાભ મળશે. ગૃહમંત્રી અમિત શાહે આગળ કહ્યું કે મમતા બેનરજી તમે પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર બનતા રોકી શકશો નહી. જનતાએ મન બનાવી લીધુ છે. પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર બનવાની છે.

તેમણે કહ્યું કે ભાજપમાં ટીએમસી અને કમ્યુનિસ્ટ પાર્ટીના નેતા મોટી સંખ્યામાં સામેલ થઈ રહ્યા છે. ચૂંટણી આવતા આવતા તો મમતા બેનરજી એકલા રહી જશે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ અહીંના ખેડૂતો સાથે દગો કર્યો છે. કેન્દ્ર સરકારની યોજના રોકવાના કારણે પશ્ચિમ બંગાળના ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ૬૦૦૦ રૂપિયા મળી શકતા નથી.

(12:00 am IST)