Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

ખેડૂત આંદોલનમાં દિલ્હી પહોંચો : નહીંતર ચૂકવવો પડશે દંડ : પંજાબની પંચાયતનો આદેશ

દર સપ્તાહે ગામના 18 લોકો દિલ્હી જશે : ફરીદકોટના પાકીખાલા ગામની પંચાયતમુ હુકમનામું

નવી દિલ્હી : સરકાર અને ખેડૂતો વચ્ચે અત્યાર સુધીમાં 12 રાઉન્ડની બેઠક બાદ પણ આ મુદ્દાનો કોઈ ઉકેલ આવી શક્યો નથી, 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિન નિમિત્તે ખેડૂતોએ દિલ્હીમાં ટ્રેક્ટર રેલી કાઢી હતી, આ દરમિયાન હિંસા શરૂ થઈ ગઈ હતી, જેના લીધે ખેડૂતો પર પોલીસે કાર્યવાહી કરતાં આંદોલન સમેટાવા લાગ્યું હતું જેના પગલે એવું લાગી રહ્યું હતું કે આંદોલન સમાપ્ત થઈ જશે પરંતુ ખેડૂત નેતા રાકેશ ટિકૈતના આંસુએ આ આંદોલનને ફરીથી બેઠું કરી દીધું હતું. 

ખેડૂત આંદોલનની શરૂઆતથી જ અગ્રેસરની ભૂમિકામાં રહેલું પંજાબ હવે ફરીથી કૃષિ કાયદાઓનો વિરોધ કરવા માટે સળવળાટ કરી રહ્યું છે. આ મુદ્દે પંજાબના ફરીદકોટ જિલ્લાના એક ગામની પંચાયતે ચોંકાવનારો હુકમ કર્યો છે

મળતી માહિતી મુજબ, ફરીદકોટના પાકીખાલા ગામની પંચાયતે એક હુકમનામું બહાર પાડ્યું છે કે દર 8 દિવસે 18 લોકો ગામથી દિલ્હી જશે. જો કોઈ વ્યક્તિ દિલ્હીની યાત્રા ન કરે તો તેને 5000 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. આ પેનલ્ટીની ચુકવણી નહીં કરવામાં આવે તો તેનો બહિષ્કાર કરવામાં આવશે. રસપ્રદ વાત એ છે કે પંચાયતના આ નિર્ણયને ગ્રામજનોએ આવકાર્યો છે. લોકો દિલ્હી જવા તૈયાર થયા છે. શનિવારે પંચાયતના આ હુકમનામાને લઈને લોકોનો પહેલો જથ્થો દિલ્હીની યાત્રા માટે તૈયાર થઈ ગયો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગામના સરપંચ કુલવિંદર સિંહ કહે છે કે ગામના લોકોનો સહયોગ મળી રહ્યો છે. જો સરકાર ટ્રેન રોકે તો તેઓ તેમના વાહનોથી દિલ્હી જશે. તેમણે કહ્યું કે 26 મી જાન્યુઆરીએ ખેડૂત આંદોલનનું નુકસાન થયું હતું, હવે અમે ગ્રામજનોએ આ આંદોલનને ફરીથી મજબૂત બનાવવાનો નિર્ણય લીધો છે.

સરપંચે કહ્યું છે કે પંચાયતમાં આ ઠરાવ પસાર કરવામાં આવ્યો છે કે જો કોઈ વ્યક્તિ દિલ્હી નહીં જાય તો તેણે 5000 હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે જો તે દંડ નહીં ભરે તો તેનો બહિષ્કાર કરવામાં આવશે. તેમણે કહ્યું કે જ્યાં સુધી કૃષિ કાયદા પાછા નહીં ખેંચાય ત્યાં સુધી અમે આંદોલન ચાલુ રાખીશું

(12:00 am IST)