Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

વર્ક ફ્રોમ હોમની દિશામાં બેન્ક ઓફ બરોડા લઇ શકે મોટો નિર્ણંય : અમુક કર્મચારીઓને કાયમી ઘરે બેસાડી કામ કરાવવા વિચારણા

અડધા કર્મચારીઓને આગામી 5 વર્ષ માટે ઘરેથી કામ કરવાની તૈયારી

નવી દિલ્હી: કોરોના કાળમાં મોટાભાગની કંપનીઓ પોતાના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરવા માટે કહી રહી છે. કોરોનાના વધતા જતાં સંક્રમણને જોતા લોકો પણ ઘરેથી કામ કરવાને જ વધારે પ્રાધાન્ય આપી રહ્યાં છે. એવામાં દેશની સરકારી બેંક બેંક ઑફ બરોડાપણ આ દિશામાં મોટો નિર્ણય લઈ શકે છે

બિઝનેશ ટૂડેમાં છપાયેલા એક રિપોર્ટ મૂજબ, બેંક ઑફ બરોડા પ્રથમ એવી સરકારી બેંક છે, જે પોતાના કર્મચારીઓના એક વર્ગ માટે કાયમી વર્ક ફ્રોમ હોમની નીતિ અપનાવવા પર વિચાર કરી રહી છે.

બેંક ઑફ બરોડામાં તાજેતરમાં જ વિજયા બેંક અને દેના બેંકનો વિલય કરવામાં આવ્યો છે. બેંકે કોરોના બાદ આ વર્ક ફ્રોમ હોમની રણનીતિ બનાવવાના સૂચન માટે મેનેજમેન્ટ કન્સલટન્સી ફર્મ મેકિન્સે એન્ડ કંપનીની નિમણૂંક કરી છે

આ અંગે બેંક ઑફ બરોડાના CEO સંજીવ ચઢ્ઢાએ જણાવ્યું કે, બેંક  આ પ્રકારની રણનીતિ પર વિચાર કરી રહી છે. મહામારી  બાદ બેંક પોતાના કર્મચારીઓ અને તેમના સ્વાસ્થ્યના હિતને ધ્યાનમાં રાખીને કામ કરે.

ચઢ્ઢાએ બેંકના ત્રીજા ત્રિમાસિક આર્થિક પરિણામોની જાહેરાત કરતા જણાવ્યું કે, નાણાંકીય વર્ષ 2021માં ત્રીજા ત્રિમાસિકમાં બેંક ઑફ બરોડાને (Bank Of Baroda) 1061.1 કરોડ રૂપિયાનો નફો થયો છે. જ્યારે નાણાંકીય વર્ષ 2020ના ત્રીજા ત્રિમાસિકમાં બેંકને 1407 કરોડ રૂપિયાનું નુક્સાન થયું હતું.

ઓક્ટોબર મહિનામાં જ બેંકે પોતાના વર્ક ફોર્સને 50-50માં વિભાજિત કરીને વર્ક ફ્રોમ હોમની નવી વ્યવસ્થા શરૂ કરી હતી. બેંક ઑફ બરોડાના કુલ વર્કફોર્સના 50-50 ભાગોમાં વિભાજિત કરીને અડધા કર્મચારીઓને આગામી 5 વર્ષ માટે ઘરેથી કામ કરવાની તૈયારી હતી. જ્યારે અડધા કર્મચારીઓને બેંકમાં આવીને કામ કરે, તેવો નિર્ણય લેવાયો હતો.

(9:25 am IST)