Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

ગજબના છે લોકો : ૭ જણા કોલ્ડ્રીંક સાથે ગળી ગયા ૨.૧૭ કરોડનું સોનું: ૮ દિ' કેળા ખવડાવાયા : બહાર નીકળી ૨૨૨ ગોલ્ડ કેપ્સુલ

દુબઈ અને શારજહાંથી આવેલા ૭ લોકોને ચેન્નઈ એરપોર્ટ પર કસ્ટમના અધિકારીઓએ શંકાના આધારે રોકયા હતાઃ તેમના પેટમાંથી નીકળી ગોલ્ડ કેપ્સૂલ્સ

ચેન્નઈ,તા. ૧: સોના-ચાંદીના ભાવ સતત વધી રહ્યા છે અને તેના કારણે તેનું સ્મગલિંગ પણ વધી ગયું છે. વિદેશમાંથી ખાસ કરીને આરબ દેશોમાંથી ભારતમાં ગેરકાયદે સોનું ઘૂસાડવા માટે લોકો એવી-એવી તરકીબો અજમાવે છે કે કલ્પના કરવી પણ મુશ્કેલ હોય છે. ગત ૨૨ જાન્યુઆરીએ પણ ચેન્નઈ એરપોર્ટ પર આવો જ એક કિસ્સો સામે આવ્યો. જેમાં અમીરાતની ફ્લાઈટ અને એર અરેબિયાની ફ્લાઈટમાં આવેલા કુલ ૭ મુસાફરો સોનું સંતાડીને લાવતા ઝડપાઈ ગયા હતા. તેમની પાસેથી કસ્ટમે જે રીતે સોનું મેળવ્યું તે ઘણું જ ચોંકાવનારું છે. કસ્ટમના અધિકારીઓએ તેમને સતત ૮ દિવસ સુધી કેળા ખવડાવી આ સોનું મેળવ્યું હતું.

ગત ૨૨ જાન્યુઆરીએ ચેન્નઈ એરપોર્ટ પર આવેલી અમીરાતની ફ્લાઈટ અને એર અરેબિયાની ફ્લાઈટમાં દુબઈ અને શારજહાંથી ઉતરેલા કુલ ૮ મુસાફરોને કસ્ટમ ઓફિસરોએ શંકાના આધારે રોકયા હતા. તેમાંથી સાતના પેટમાં ગોલ્ડ કેપ્સૂલ હોવાનું ખૂલ્યું હતું. આ સાતેય જણાએ દુબઈ તેમજ શારજહાંથી નીકળતા પહેલા કોલ્ડ ડ્રિંકની સાથે આ ગોલ્ડ કેપ્સૂલ ગળી ગયા હતા. જોકે, તેમની આ ચાલાકી પકડાઈ ગઈ હતી.

કસ્ટમના અધિકારીઓએ આ કેપ્સૂલ તેમના પેટમાંથી બહાર કાઢવા આ સાતેય જણાને સતત આઠ દિવસ સુધી કેળા ખવડાવ્યા હતા. આ લોકો જે ગોલ્ડ કેપ્સૂલ ગળી ગયા હતા તે ૧.૧થી ૧.૭ સેમીની હતી અને તેનું વજન ૧૫થી ૨૪ ગ્રામ હતું. આ શખસોના પેટમાંથી કુલ ૨૨૨ જેટલી કેપ્સૂલ નીકળી હોવાનું જણાવાઈ રહ્યું છે. જેની કિંમત ૧.૨૭ કરોડ રૂપિયા જેટલી થતી હોવાનું કસ્ટમના અધિકારીઓએ જણાવ્યું હતું. આ ઉપરાંત આ લોકો પાસેથી ૩૮૬ ગ્રામના ૧૨ બિસ્કિટ અને ૭૪ ગ્રામ વજનની સોનાની ચેન પણ અધિકારીઓએ જપ્ત કરી છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ અન્ય એક મામલામાં ચેન્નઈ એરપોર્ટ પરથી જ એક પ્રવાસી પાસેથી ૩૧૦ ગ્રામ વજનની સોનાની પેસ્ટના ત્રણ બંડલ મળી આવ્યા હતા. આ ઉપરાંત ઓકટોબર ૨૦૨૦માં પણ ચેન્નઈ કસ્ટમ એર ઈન્ટેલિજન્સ યુનિટે ૧૪ મુસાફરો પાસેથી ૧.૪૮ કરોડથી વધુ રૂપિયાનું સોનું જપ્ત કર્યું હતું.

(10:08 am IST)