Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

મ્‍યાનમારમાં તખ્‍તાપલટ : ૧ વર્ષ માટે કટોકટી

નેતા આંગ સાન સૂકીની ધરપકડ : આર્મી કમાન્‍ડર - ઇન - ચીફને દેશની કમાન

મ્‍યાનમાર તા. ૧ : પાડોશી દેશ મ્‍યાનમારમાં તખ્‍તાપલટ થઇ ગયું છે. મ્‍યાનમારની સેના એ વાસ્‍તવિક નેતા આંગ સાન સૂ કી અને રાષ્ટ્રપતિ વિન મ્‍યિંટની ધરપકડ કરી લીધી અને એક વર્ષ માટે ઇમરજન્‍સીનું એલાન કર્યું છે. મ્‍યાનાર સૈન્‍ય ટીવીનું કહેવું છે કે સેનાએ એક વર્ષ માટે દેશ પર નિયંત્રણ કરી લીધું છે અને સેનાના કમાન્‍ડર-ઇન-ચીફ મિન આંગ હ્યાઇંગની પાસે સત્તા જાય છે. જો કે ભારતે તેના પર પોતાની પ્રતિક્રિયા આપી નથી, પરંતુ સમગ્ર ઘટનાક્રમ પર નજર રાખી રહ્યું છે.

મ્‍યાનમાર સેનાનું કહેવું છે કે ચૂંટણીમાં છેતરપિંડીના જવાબમાં તખ્‍તાપલટની કાર્યવાહી કરાઇ છે. આ તખ્‍તાપલટની સાથે જ દેશના અલગ-અલગ હિસ્‍સામાં સેનાની ટુકડીઓ તૈનાત કરી દેવાઇ છે. મ્‍યાનમારના મુખ્‍ય શહેર યાંગૂનમાં સિટી હોલની બહાર સૈનિકોને તૈનાત કરી દેવાયા છે જેથી કરીને કોઇ તખ્‍તાપલટનો વિરોધ કરી ના શકે.

અમેરિકા, ઓસ્‍ટ્રેલિયા સહિત કેટલાંય દેશોએ તખ્‍તાપલટ પર ચિંતા વ્‍યકત કરી અને મ્‍યાનમારની સેનાને કાયદાનું સમ્‍માન કરવાની અપીલ કરી છે. વ્‍હાઇટ હાઉસના પ્રવકતા જેન સાકીએ કહ્યું કે બર્માની સેના એ સ્‍ટેટ કાઉન્‍સિલર આંગ સાન સૂ કી અને અન્‍ય નાગરિક અધિકારીઓની ધરપકડ સહિત દેશના લોકતાંત્રિક સંક્રમણને ઓછું કરવા માટે પગલું ભર્યું છે.

મ્‍યાનમારની સેનાને ચેતવણી આપતા અમેરિકાએ કહ્યું કે અમેરિકાએ તાજેતરની ચૂંટણીમાં પરિણામોને બદલવા કે મ્‍યાનમારની લોકતાંત્રિક વ્‍યવસ્‍થામાં અડચણ ઉભી કરવાના પ્રયાસનો વિરોધ કર્યો છે અને જો આ તખ્‍તાપલટ ખત્‍મ નહીં થાય તો જવાબદાર લોકોની વિરૂદ્ધ કાર્યવાહી કરીશું.

દેશની ચૂંટણીમાં નોબેલ શાંતિ પુરસ્‍કાર વિજેતા આંગ સાંગ સૂ કીની પાર્ટી NLDના જોરદાર જીત બાદ આજે મ્‍યાનમારમાં સંસદની બેઠક યોજાવાની હતી. આ સેના એ અત્‍યાર સુધીમાં આ ‘તખ્‍તાપલટ' પર કોઇ નિવેદન આપ્‍યું નથી.

એક પ્રત્‍યક્ષદર્શીએ કહ્યું કે યંગૂન શહેરમાં દરેક બાજુ સેનાને તૈનાત કરી દીધી છે. તો સરકારી ટીવીએ કહ્યું કે તેઓ તકનીકી કારણોસર પ્રસારણ કરવામાં અક્ષમ છે.

આની પહેલાં મ્‍યાનમારમાં તખ્‍તાપલટના ષડયંત્ર રચાયાના સમાચારોની વચ્‍ચે દેશની સેના એ રવિવારના રોજ દાવો કર્યો હતો કે તેઓ સંવિધાનની રક્ષા અને પાલન કરશે અને કાયદા પ્રમાણે જ કામ કરશે. આ નિવેદનની સાથે સેનાએ સૈન્‍ય તખ્‍તાપલટની આશંકાને નકારી દીધી હતી. મ્‍યાનમારમાં ૧૯૬૨માં તખ્‍તાપલટ કરાયો હતો ત્‍યારબાદ ૪૯ વર્ષ સુધી સેનાનું શાસન રહ્યું.

વાત એમ છે કે સંયુકત રાષ્ટ્ર મહાસચિવ એન્‍ટોનિયો ગુતારેસ અને મ્‍યાનમારમાં પશ્ચિમી રાજદૂતોએ તેને લઇ આશંકા વ્‍યકત કરી હતી. ત્‍યારબાદ દેશની સેના તત્‍પદૌ (Tatmadaw)એ કહ્યું છે કે તેને કમાન્‍ડર ઇન ચીફ સીનિયર જનરલ મિન આંગ લાઇંગના નિવેદનને ખોટી રીતે રજૂ કર્યું છે. સેના એ કહ્યું કે તત્‍પદો ૨૦૦૮ના સંવિધાનની રક્ષા કરી રહ્યું છે અને કાયદા પ્રમાણે જ કામ કરશે. કેટલાંક સંગઠન અને મીડિયા જે ઇચ્‍છે છે, તેને માની લીધું છે અને લખ્‍યું છે કે તત્‍પદૌ સંવિધાનને ખત્‍મ કરી દેશે.

સંસદના નવા સત્ર પહેલાં સેના એ ચેતવણી આપી હતી કે ચૂંટણીમાં વોટના છેતરપિંડીની ફરિયાદ પર જો એકશન લેવાશે નહીં તો સેના ‘એકશન લેશે'. વાત એમ છે કે આ સપ્તાહે રાજકીય તણાવ વધી ગયો હતો જયારે સેનાના પ્રવકતાએ તખ્‍તાપલટની સંભાવનાઓને નકારી દીધી હતી. તો કમાન્‍ડર ઇન ચીફે એટલે સુધી કહી દીધું હતું કે જો સંવિધાનનું પાલન કરાશે નહીં તો તેને પાછું લેવાશે.

(11:23 am IST)