Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

જામનગરના ઉદ્યોગોને બજેટમાં ફાયદો : ખેડૂતો - નાના વેપારીઓને નુકસાન

કેન્દ્રીય બજેટ વિશે અભિપ્રાય આપતા સૌરાષ્ટ્રના ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનો

રાજકોટ તા. ૧ : કેન્દ્ર સરકાર દ્વારા આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સરકારના નાણામંત્રી નિર્મલા સીતારામને કેન્દ્રીય બજેટ રજુ કર્યું હતું તેને સૌરાષ્ટ્રમાં ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનોમાં કોઇએ આવકાર્યુ હતું. તો કોઇએ આ બજેટને નકાર્યું હતું.

જામનગર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જીતેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ બજેટથી જામનગરના બ્રાસ સહિતના ઉદ્યોગને ફાયદો થશે. કારણ કે પાંચ ટકામાંથી હવે અઢી ટકા ટેકસ કરાતા આ ઉદ્યોગોને ફાયદો થશે.

અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સના સ્થાપક પ્રમુખ અને સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ ઉપપ્રમુખ પંકજભાઇ કાનાબારે જણાવ્યું હતું કે, ભાજપની કેન્દ્ર સરકારના આ બજેટથી ખેડૂતો અને નાના વેપારીઓને નુકસાન થનાર છે.

પેટ્રોલ - ડિઝલ ઉપર સેસ નાંખવામાં આવતા ખેડૂતોને આર્થિક ફટકો પડશે.

પંકજભાઇ કાનાબારે વધુમાં જણાવ્યું કે, કોરોના કાળમાં માંદા ઉદ્યોગોને સહાય આપવાના બદલે અન્યાય થયો છે અને નાના ઉદ્યોગકારો અને ખેડૂતો માટે આ બજેટ નિરાશાજનક છે.

જુનાગઢ ચેમ્બર ઓફ કોમર્સના મંત્રી સંજયભાઇ પુરોહિતે જણાવ્યું હતું કે, કોરોનાકાળમાં રજૂ થયેલ આ બજેટ આવકારદાયક છે.

(3:46 pm IST)