Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

દેશમાં દર વર્ષે ૨૭ ટકા છોકરીઓને ૧૮ વર્ષ પહેલા પરણાવી દેવાય છે

કાયદો હોવા છતાં બાળ વિવાહ અટકતા નથી : દર વર્ષે ૧.૫ કરોડ યુવતીઓના લગ્ન નાની ઉંમરે થાય છે

કોલકતા,તા. ૧: આઝાદીના ૭૪ વર્ષ પછી પણ બાળ વિવાહ બંધ નથી થયા. તેને રોકવા કાયદો છે. છતા તેની અસર જતી જણાતી નથી. દર વર્ષે લગભગ ૧.૫ કરોડ છોકરીઓના લગ્ન ૧૮ થી ઓછી ઉંમરમાં થઇ જાય છે. કેન્‍દ્ર સરકારના આંકડાઓ મુજબ ૨૭ ટકા છોકરીઓ ૧૮ વર્ષથી પહેલા જ્‍યારે ૭ ટકાથી ૧૫ થી પણ ઓછા વર્ષની ઉંમરે પરણાવાય છે.

૨૦૨૦માં ૧૬ ટકા છોકરીઓના લગ્ન ૧૮ થી ૧૯ વર્ષની વચ્‍ચે થયેલ. કેન્‍દ્ર સરકારે ૨૦૩૦ સુધીમાં પૂર્ણ રૂપે બાળ વિવાહ સમાપ્ત કરવાનું લક્ષ્ય બનાવ્‍યું છે. ઉપરાંત કેન્‍દ્ર છોકરીઓની લગ્નની ઉંમર ૧૮ વર્ષથી વધારી ૨૧ વર્ષ કરવા માંગે છે. જે માટે વિનોદ પોલની અધ્‍યક્ષતામાં નીતી આયોગની ૧૦ સભ્‍યોની ટાસ્‍ક ફોર્સ બનાવી છે.

ગરીબી, અસુરક્ષા, શિક્ષણની કમી, પિતૃ સતા, લૌગીક અસમાનતા અને પરંપરાના કારણે ભારતમાં આદીકાળથી બાળ વિવાહ પ્રચલીત છે. જાગરૂકતાનો અભાવ, કાયદાનું કડકાઇથી પાલન ન થવું. રાજનિતિક અને આર્થિક કારણોથી આ પરંપરા પુરી નથી થતી. ગરીબી અને જુની પરંપરાઓમાં જકડાયેલા લોકો છોકરીઓને પારકુ ધન અને બોજ સમજે છે. હક સેન્‍ટર ફોર ચાઇલ્‍ડ રાઇટના સહ સંસ્‍થાપન ઇનાક્ષી ગાંગુલીએ જણાવેલ કે ફકત કાયદો બનાવવાથી બાળ વિવાહ પુરા નહીં થાય. તેની કડકડાઇથી પાલન જરૂર છે. સાથે કુપ્રથાને પુરી કરવા આર્થિક અને સામાજીક રીતે પછાત લોકોમાં જાગૃતતા વધારવી પડશે.

(4:30 pm IST)