Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

દિલ્‍હીમાં પ્રજાસત્તાક દિવસની ખેડૂત રેલી બાદ 100થી વધુ ખેડૂતો ગુમઃ શોધખોળ માટે 5 સભ્‍યોની કમિટીની રચના

નવી દિલ્હી: પ્રજાસત્તાક દિવસે ખેડૂત રેલી દરમિયાન હિંસા ફાટી નિકળી હતી. આ દરમિયાન કેટલાક ખેડૂતો ગુમ થયાના અહેવાલ આવ્યા હતા. સંયુક્ત કિસાન મોર્ચાએ દાવો કર્યો છે કે તેના 100થી વધુ ખેડૂતો અંગે કોઈ માહિતી નથી મળી રહી. ગુમ ખેડૂતો અંગે જાણકારી મેળવવા માટે પાંચ સભ્યોની એક કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી કોઇ પણ માહિતી મળ્યા બાદ લિંક જોડી તેના પર આગળની કાર્યવાહી હાથ ધરશે.

તેની સાથે બજેટ ખતમ થયા પછી હવે સંયુક્ત કિસાન મોર્ચા આજે શાંજે આંદોલનની આગળની રણનીતિ પર બેઠક કરશે. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવશે કે આંદોલનને કેવી રીતે આગળ વધારવામાં આવે. જેથી સરકાર પર દબાણ બનાવી શકાય અને કૃષિ કાયદાને રદ કરાવી શકાય. ઉલ્લેખનીય છે કે રવિવારે કુંડલી બોર્ડર પર પંજાબના 32 ખેડૂત સંગઠનની બેઠક યોજાઇ. આ બેઠકમાં ટ્રેક્ટર પરેડમાં ગુમ થયેલા ખેડૂતોને શોધવાને લઇ ચર્ચા કરવામાં આવી.

ઉલ્લેખનીય છે કે ગુમ થયેલા ખેડૂતોને શોધવા માટે પ્રેમ સિંહ ભંગુ, રાજિન્દર સિંહ દીપ સિંહવાલા, અવતાર સિંહ, કિરણજીત સિંહ સેખો અને બલજીત સિંહની એક કમિટીની રચના કરવામાં આવી છે. તેની સાથે જ ખેડૂતો તરફથી એક નંબર (8198022033) પણ જારી કરવામાં આવ્યો છે. આ નંબર પર ગુમ થયેલા ખેડૂતો અંગે જાણકારી આપી શકાય છે.

સરકાર નથી ઇચ્છતી કે વાસ્તવિક તથ્ય ખેડૂતો અને સામાન્ય નાગરિકો સુધી પહોંચે

સંયુક્ત કિસાન મોર્ચાએ જુદા-જુદા વિરોધ સ્થળોની ઇન્ટરનેટ સેવાઓને કાપવા માટે ખેડૂતોના આંદોલન પર સરકારના હુમલાની પણ ટીકા કરી છે અને જણાવ્યું છે કે સરકાર નથી ઇચ્છતી કે વાસ્તવિક તથ્ય ખેડૂતો અને સામાન્ય નાગરિકો સુધી પહોંચે. સરકાર એ પણ નથી ઇચ્છતી કે તેમનો શાંતિપૂર્ણ વ્યવહાર વિશ્વ સામે આવે. સરકાર ખેડૂતોની ચારે બાજુ તેના જુઠ્ઠાણા ફેલાવવા માંગે છે. સરકાર જુદા-જુદા ધરણાં સ્થળો પર ખેડૂત યુનિયનોના સંદેશાવ્યવહારના સાધનોને ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે. આ લોકતાંત્રિક અને ગૈરબંધારણિય છે.

વિરોધ સ્થળોની ઘેરાબંદી પર પ્રશ્ન

સિંધુ બોર્ડર અને અન્ય ધરણાં સ્થળો સુધી પહોંચવાથી સામાન્ય નાગરિકો અને મીડિયા કર્મીઓને રોકવા માટે પોલીસે ઘેરાબંદી કરી છે. તેના પર પણ કિસાન મોર્ચાના નેતાઓએ પ્રશ્ન ઉઠાવ્યા છે. ખેડૂત નેતાઓએ જણાવ્યું કે ભોજન અને પાણી જેવી પ્રાથમિક જરૂરીયાતોની તંગી ઉભી કરવામાં આવી રહી છે. સરકારના આ તમામ હુમલાની ટિકા કરીએ છીએ. પોલીસ અને સરકાર દ્વારા હિંસાના અનેક પ્રયાસો છતાંય ખેડૂત અત્યારે પણ ત્રણ કૃષિ કાયદા અને એમએસપી પર ચર્ચા કરી રહ્યા છે. અમે જાગરૂત નાગરિકોને સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે દિલ્હી મોર્ચા સુરક્ષિત અને શાંતિપૂર્ણ છે.

(5:22 pm IST)