Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

મમતાને વધુ એક ફટકો: 2 વખત ધારાસભ્ય રહી ચૂકેલા દિપક હલદારે પાર્ટીમાંથી આપ્યું રાજીનામું

બળવાખોર ધારાસભ્ય ભાજપમાં સામેલ થવાની અટકળો

પશ્ચિમ બંગાળમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે. આ વચ્ચે મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસને એક પછી એક ફટકા પડી રહ્યા છે. રાજ્યની મહત્વપૂર્ણ બેઠકમાંથી એક ડાયમંડ હાર્બરથી બે વખતના ધારાસભ્ય રહી ચુકેલા દીપક હલદારે પાર્ટીનો સાથ છોડી દીધો છે. દીપક હલદરે સોમવારે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું અને હવે એવી અટકળો છે કે તેઓ ટૂંક સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઇ શકે છે.

દીપક હલદરે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે હું બે વખત ધારાસભ્ય રહી ચુક્યો છું. પરંતુ વર્ષ 2017થી મને લોકો સાથે મળી કામ કરવાની મંજૂરી આપવામાં નથી આવી રહી. પાર્ટી નેતૃત્વને સૂચના આપ્યા પછી આ સ્થિતિમાં કોઇ ફેરફાર નથી થયા. મને કોઇ પાર્ટી કાર્યક્રમ અંગે સૂચના આપવામાં નથી આવતી. હું મારી વિધાનસભાની જનતા અને સમર્થકો પ્રત્યે જવાબદાર છું. તેથી મેં પાર્ટી છોડવાનો નિર્ણય કર્યો છે. હું ટૂંક સમયમાં જ રાજીનામું પત્ર જિલ્લા અને પ્રદેશ પ્રમુખને મોકલીશ.

દીપક હલદરે અંગે કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી તેઓ પાર્ટી નેતૃત્વ વિરુદ્ધ ખુલીને પોતાનો મત રાખી રહ્યા છે. તેમના વિશે કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ભાજપના નેતા સોવન ચેટર્જીના નજીક છે અને તાજેતરમાં જ તેમણે સાઉથ કોલકાતામાં ભાજપ નેતાના ઘરે જઇ તેમની મુલાકાત લીધી હતી. વર્ષ 2015માં હલદરને પાર્ટીએ એક વખત સસ્પેન્ડ પણ કર્યો હતો, ત્યારે તેમના પર મારમારીમાં સામેલ થવાનો આરોપ હતો. બાદમાં જામીન મળ્યા બાદ તેમણે ફરીથી પાર્ટી જોઇન કરી હતી

  અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ બાલી બેઠક પરથી ટીમસી ધારાસભ્ય રાજીવ બેનર્જી, હાવડાથી પાર્ટીના ધારાસભ્ય બૈશાલી ડાલમિયા અને ઉત્તરપારાથી ટીએમસી ધારાસભ્ય પ્રબીર ઘોષાલ જાહેરમાં પક્ષ સામે પોતાનો વિરોધ વ્યક્ત કરી ચુક્યા છે. પાર્ટીના કેટલાક નેતાઓએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે, તો કેટલાક નેતાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

(1:13 am IST)