Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

પુત્ર-પુત્રવધુનાં ઝઘડામાં સાસુ-સસરાને વચ્‍ચે લાવવા યોગ્‍ય નથી : દિલ્‍હી હાઇકોર્ટ

જયાં વિવાદ પતિ-પત્‍ની વચ્‍ચે હોય ત્‍યાં પરિવારના અન્‍ય સભ્‍યોને આધાર વગર સામેલ કરવા યોગ્‍ય નથી

નવી દિલ્‍હી,તા. ૧ : ઘરેલું હિંસા અને દહેજ ઉત્‍પીડન જેવા મામલામાં વૃદ્ધ સાસુ-સસરાને ખેંચી જવાના મુદ્દા પર ટિપ્‍પણી કરતા કોર્ટે કહ્યું કે આવા કિસ્‍સાઓમાં વૃદ્ધોની શાંતિ છીનવી લેવી યોગ્‍ય નથી. જો ઝઘડો પુત્ર અને પુત્રવધૂ વચ્‍ચે થાય તો તેને પોતાના સ્‍તરે ઉકેલી લો.અને કોઈ પણ દોષ વિના વૃદ્ધ સાસુ અને સસરાને ઝઘડામાં સામેલ ન કરો. તેના સાસરિયાના ઘરે રહેવાની માંગ કરતી મહિલાની અરજીને ફગાવી દેતા કોર્ટે આ વાત કહી. સાકેત સ્‍થિત એડિશનલ સેશન્‍સ જજ સુનીલ ગુપગુતાની કોર્ટે આ કેસમાં ચુકાદો આપતાં કહ્યું હતું કે જયારે ઘરની માલિકી વૃદ્ધ દંપતીની છે, તો પછી ઘરમાં સત્તા બતાવવાનો કોઈ અર્થ નથી.

 એક વૃદ્ધ દંપતી તેમના જીવનના સંધિકાળમાંથી પસાર થઈ રહ્યું છે. આ સંજોગોમાં તેમને શાંતિથી જીવવાનો અધિકાર છે, પરંતુ તેમને કોર્ટમાં ખેંચી લેવા અને પછી ઘરમાં ઘૂસીને પણ હેરાન કરવા એ વ્‍યાજબી નથી. કોર્ટે એમ પણ કહ્યું કે વહેંચાયેલ ઘરનો અર્થ એ છે કે વાદી મહિલાના પતિનો તે સંપત્તિ પર અધિકાર છે. જયારે આ મિલકત સાસુ અને સસરાની હોય તો તેને સહિયારી મિલકત કહી શકાય નહીં. કોર્ટે કહ્યું કે એક જ છત નીચે રહેતી મહિલા ઘરેલુ હિંસાનો આરોપ દાખલ કરી શકે છે. આ માટે પુરાવાની પણ જરૂર છે, પરંતુ જયારે તે ઘર અથવા છત સાસુ અને સસરાની હોય, તો તે તેમની સંમતિ વિના બળજબરીથી તે ઘરમાં રહેવાનો દાવો કરી શકે નહીં.

કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે જયાં પતિ-પત્‍ની વચ્‍ચે વિવાદ હોય ત્‍યાં નક્કર આધાર વગર પરિવારના અન્‍ય સભ્‍યોને સામેલ કરવા યોગ્‍ય નથી. પુત્ર અને પુત્રવધૂ વચ્‍ચે પરસ્‍પર ઝઘડો ચાલતો હોવાથી માત્ર વૃદ્ધ દંપતીને જ મુશ્‍કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કોર્ટે કહ્યું છે કે તેણે આ મામલાને પોતાના સ્‍તરે પતાવવો જોઈએ.અને બિનજરૂરી રીતે વૃદ્ધ દંપતીને તેનો ભાગ ન બનાવો.

 આ આદેશો સામે મહિલા પરિષદે કોર્ટમાં અરજી કરી હતી. મહિલાનું કહેવું છે કે તેની પાસે રહેવા માટે કોઈ જગ્‍યા નથી. તે તેના સાસરિયાંના ઘરમાં રહેવા માંગે છે, જે એક સહિયારું કુટુંબ છે, પરંતુ કોર્ટે આ દલીલને ફગાવી દીધી છે.

(9:47 am IST)