News of Wednesday, 1st February 2023
નવી દિલ્હી તા.૧ : હિમાચલ, જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડમાં હિમવર્ષા અને ઘણા રાજ્યોમાં વરસાદ પછી, ઉત્તર ભારતમાં તીવ્ર શિયાળો પાછો ફર્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મધ્યપ્રદેશમાં વરસાદી માહોલ જારી રહેશે. રાજ્યમાં આગામી ૨ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં ૩ થી ૫ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે. ગ્વાલિયર, ચંબલ ડિવિઝનના જિલ્લાઓમાં આજે હળવો વરસાદ પડી શકે છે.
ઉપરાંત રતલામ, ઉજ્જૈન, દેવાસ, મંદસૌર અને નીમચ જિલ્લામાં હળવા વરસાદની સંભાવના છે.આજે ચંબલ ડિવિઝન સહિત ગ્વાલિયર અને દતિયામાં ધુમ્મસ છે. બાલાઘાટ, છતરપુર અને ટીકમગઢ જિલ્લામાં સાધારણ ધુમ્મસ છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન ૧૧ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં ઠંડી પડી રહી છે. દિલ્હી-ફઘ્ય્માં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. મંગળવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા બે ડિગ્રી સેલ્સિયસ ઓછું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ૨૪ કલાક સુધી ભારે પવન ફૂંકાઈ શકે છે. જેના કારણે મંગળવારે દિલ્હીમાં પણ હવાની ગુણવત્તામાં સુધારો જોવા મળ્યો હતો. સવારે ૯ વાગ્યે એર ક્વોલિટી ઈન્ડેક્સ ૧૮૧ નોંધાયો હતો.
હિમાચલ પ્રદેશના ઊંચાઈવાળા અને આદિવાસી વિસ્તારોમાં નવેસરથી હિમવર્ષા થઈ છે. હિમવર્ષાના કારણે રસ્તાઓ બંધ કરવા પડ્યા છે. સ્થાનિક હવામાન કેન્દ્રે આગાહી કરી છે કે ૨ ફેબ્રુઆરીએ મધ્યમ અને ઊંચાઈવાળા પર્વતીય વિસ્તારોમાં કેટલાક ભાગોમાં વરસાદ અથવા હિમવર્ષા થઈ શકે છે. આ ઉપરાંત રાજ્યમાં ૪ ફેબ્રુઆરી સુધી હવામાન સૂકું રહેવાની શકયતા છે. શિમલા અને કિન્નરના સફરજન ઉત્પાદકો આ હિમવર્ષાથી ખુશ છે કારણ કે તેઓ માને છે કે તેનાથી પાકને ફાયદો થશે.
તે જ સમયે, રાજસ્થાનમાં વરસાદ બાદ સવારે ધુમ્મસ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ઘણા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છે. મંગળવારે જયપુર એરપોર્ટ પર ૫૦ મીટર સુધી વિઝિબિલિટી નોંધાઈ હતી. ગાઢ ધુમ્મસના કારણે ખાસ કરીને હાઈવે પર વાહનવ્યવહારને અસર થઈ હતી.