Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

રેસલર બબિતા ફોગાટને સભ્‍ય બનાવાયા

બ્રિજભૂષણ સામેના યૌન શોષણના આરોપની તપાસ માટેની કમિટીમાં

નવી દિલ્‍હીઃ ભારતના સ્‍ટાર કુસ્‍તીબાજોની નારાજગી બાદ ખેલ મંત્રાલયે મંગળવારે મોટો નિર્ણય લીધો છે. રમત મંત્રાલયે સ્‍ટાર રેસલર બબીતા ફોગાટને મોટી જવાબદારી સોંપી છે. રેસલિંગ એસોસિએશન ઓફ ઈન્‍ડિયાના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ પર વિનેશ ફોગાટે યૌન શોષણનો આરોપ લગાવ્‍યો હતો. જે બાદ સાક્ષી મલિક, બજરંગ પુનિયા સહિત ઘણા મોટા કુસ્‍તીબાજો જંતર મંતર પર ધરણા પર બેઠા હતા. ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે મિટિંગ યોજીને તપાસની ખાતરી આપી હતી.

 મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્‍યું છે કે બબીતા ફોગાટને બબીતા ફોગાટને રચાયેલી સમિતિમાં સામેલ કરવા અંગે માહિતી આપવામાં આવી હતી. આ સમિતિમાં બોક્‍સિંગ લેજન્‍ડ એમસી મેરી કોમ, ભૂતપૂર્વ કુસ્‍તીબાજ યોગેશ્વર દત્ત, ભૂતપૂર્વ બેડમિંટન ખેલાડી તળપ્તિ મુર્ગુંડે, એસએઆઈના ભૂતપૂર્વ અધિકારી રાધિકા શ્રીમન અને ટાર્ગેટ ઓલિમ્‍પિક પોડિયમ સ્‍કીમના ભૂતપૂર્વ સીઈઓ રાજેશ રાજગોપાલનનો સમાવેશ થાય છે.

બ્રૂજભૂષણ પર લાગેલા આરોપોની તપાસ માટે રમત મંત્રીએ ૫ સભ્‍યોની સમિતિની રચના કરી હતી જોકે તેમાં કોઈ રેસલરને સામેલ ન કરવામાં આવતા તેઓ નારાજ થયા હતા, કેન્‍દ્ર સરકારના ખેલ મંત્રાલયે રેસલરની આ નારાજગી પારખીને તેમની સમસ્‍યાનો નિવેડો લાવવાનો નિર્ણય કર્યો હતો.  આ આક્રોશને પગલે કુસ્‍તીબાજ બબીતા ફોગાટને મંગળવારે બ્રિજભૂષણ સિંહ સામેના વિવિધ આરોપોની તપાસ માટે રચાયેલી સમિતિમાં સામેલ કરવામાં આવી હતી. ખેલ મંત્રાલયે રચેલી સમિતિ બ્રિજ ભૂષણની સામે જાતીય સતામણી, ધાકધમકી, નાણાકીય અને વહિવટી અનિયમિતતાની તપાસ કરી રહી છે.

(2:57 pm IST)