Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

સોનાના ભાવ સળગ્‍યા : ૬૦૦ રૂા.નો ઉછાળો

કેન્‍દ્ર સરકારે બજેટમાં સોના ઉપર ૧ ટકા કસ્‍ટમ્‍સ ડયુટી વધારવાની જાહેરાત કરતા ભાવમાં ભડકો : ૧૦ ગ્રામ સોનાના ભાવ વધીને પ૯,૬૦૦ રૂા. : ચાંદીમાં પણ પ૦૦ રૂા. વધ્‍યા

રાજકોટ, તા., ૧: કેન્‍દ્ર સરકારે બજેટમાં સોના ઉપર કસ્‍ટમ ડયુટી વધારતા આજે સોનાના ભાવમાં ભડકો થયો હતો અને ૧૦ ગ્રામે એક જ ઝાટકે ૬૦૦ રૂા.નો  ભાવ  વધારો થયો હતો. ચાંદીમાં પણ ૫૦૦ રૂપીયા વધી ગયા છે.

કેન્‍દ્ર સરકારે બજેટમાં સોના ઉપર કસ્‍ટમ ડયુટી ૧ ટકો વધારવાની જાહેરાત કરતા તેમજ ઇ-ગોલ્‍ડ પર કોઇ કેપીટલ ગેઇન નહિ લાગે તેવી જાહેરાત કરતા સ્‍થાનીક બજારમાં સોનાના ભાવો સળગ્‍યા હતા. સોનુ ૧૦ ગ્રામના ભાવ ગઇકાલે રાત્રે પ૯૦૦૦ રૂપીયા હતા તે વધીને આજે બપોરે પ૯,૬૦૦ રૂપીયા ભાવ થયા હતા. સોનાના  બિસ્‍કીટમાં તોતીંગ ૬૦૦૦ રૂપીયાનો ભાવ વધારો થયો છે.સોનાના બિસ્‍કીટ (૧૦૦ ગ્રામ)ના ભાવ પ,૯૦,૦૦૦ રૂપીયા હતા તે વધીને આજે બપોરે પ,૯૬,૦૦૦ રૂપીયાની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા.  સોનાની સાથે ચાંદીમાં પણ તેજીનો ચમકારો જોવા મળ્‍યો હતો. ચાંદી ચોરસા એક કિલોના ભાવ ૭૦,૦૦૦ રૂા. હતા. તે વધીને આજે બપોરે ર વાગ્‍યે ૭૦,પ૦૦ રૂા. ભાવ થઇ ગયા હતા.

કેન્‍દ્ર સરકારે સોના ઉપર કસ્‍ટમ્‍સ ડયુટી વધારતા હજુ પણ સોનાના ભાવો વધે તેવી શકયતા હોવાનું ઝવેરી બજારના સુત્રોએ જણાવ્‍યું હતું.

 

(3:53 pm IST)