Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

સેન્સેક્સમાં ૧૫૮ પોઈન્ટનો ઊછાળો, નિફ્ટીમાં ૪૬ પોઈન્ટનો ઘટાડો

અદાણી એન્ટરપ્રાઇઝે દલાલ સ્ટ્રીટનો મૂડ બગાડ્યો : આઈટીસીનો શેર સૌથી વધુ ૨.૬૧ ટકાના ઉછાળા સાથે બંધ, અમેરિકી ડોલર સામે રૃપિયો ૮૧.૯૨ના સ્તરે બંધ

મુંબઈ, તા.૧ : અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં ભારે વેચવાલીથી બુધવારે દલાલ સ્ટ્રીટની દિશા સંપૂર્ણપણે બદલાઈ ગઈ. કેન્દ્રીય બજેટ ૨૦૨૩ થી ઉત્સાહિત, રોકાણકારો દ્વારા ભારે ખરીદીને કારણે સેન્સેક્સ, નિફ્ટીમાં દિવસના ટ્રેડિંગ દરમિયાન ૧.૫-૧.૫ ટકાથી વધુનો વધારો જોવા મળ્યો હતો. જોકે, બજાર બંધ થતાં અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં લગભગ ૨૭ ટકાનો ઘટાડો થયો હતો. આ કારણે ૧ ફેબ્રુઆરીએ નિફ્ટી લાલ નિશાન સાથે બંધ થયો હતો.

બીએસઈનો ૩૦ શેરનો સંવેદનશીલ ઈન્ડેક્સ સેન્સેક્સ ૧૫૮.૧૮ ટકાના ઉછાળા સાથે ૫૯,૭૦૮.૦૮ પોઈન્ટના સ્તર પર બંધ થયો છે. દિવસના ટ્રેડિંગ દરમિયાન તે ૬૦,૭૭૩.૪૪ પોઈન્ટની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. જોકે, પાછળથી પ્રોફિટ-બુકિંગના દબાણને કારણે સેન્સેક્સ દિવસના ઉચ્ચ સ્તરેથી નોંધપાત્ર રીતે નીચે આવ્યો હતો.

નિફ્ટી ૪૫.૮૫ પોઈન્ટ એટલે કે ૦.૨૬ ટકાના ઘટાડા સાથે ૧૭,૬૧૬.૩૦ પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

બજાજ ફિનસર્વનો શેર સેન્સેક્સ પર ૫.૬૫ ટકા ઘટીને બંધ રહ્યો હતો. એ જ રીતે એસબીઆઈ ૪.૮૦ ટકા, ઇન્ડસઇન્ડ બેક્ન ૩.૮૮ ટકા ઘટીને બંધ થયું હતું. એ જ રીતે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, સન ફાર્મા, એક્સિસ બેંક, મારુતિ, ટાઇટન, ટાટા મોટર્સ અને બજાજ ફાઇનાન્સના શેર લાલ નિશાન સાથે બંધ થયા હતા.

બજેટના દિવસે આઈટીસીનો શેર સૌથી વધુ ૨.૬૧ ટકાના ઉછાળા સાથે બંધ થયો હતો. એ જ રીતે ટાટા સ્ટીલના શેર ૨ ટકા, આઈસીઆઈસીઆઈ બેક્ન ૧.૮૦ ટકા અને ટીસીએસ ૧.૫૦ ટકા વધીને બંધ થયા હતા. આ રીતે એચડીએફસી બેક્ન, એચડીએફસી, ઈન્ફોસિસ, કોટક મહિન્દ્રા બેક્ન, વિપ્રો, લાર્સન એન્ડ ટુબ્રો અને ટેક મહિન્દ્રાના શેર લીલા નિશાન સાથે બંધ થયા છે.

બુધવારે ભારતીય રૃપિયો સપાટ બંધ રહ્યો હતો. અમેરિકી ડોલર સામે રૃપિયો ૮૧.૯૨ ના સ્તર પર બંધ થયો.

(7:12 pm IST)