Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

૧૮ કલાકમાં ૨૫.૫ કિમી લાંબા હાઈવેનું નિર્માણ થયું

લિમ્કા બૂકમાં રેકોર્ડ નોંધાશે : નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ કર્ણાટકમાં ૨૫.૫ કિમી લાંબો હાઈવે બનાવીને રેકોર્ડ બનાવ્યો

નવી દિલ્હી,તા.૨૮ : નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એક એવો રેકોર્ડ બનાવ્યો છે કે તેનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાવા જઈ રહ્યું છે. એનએચએઆઈએ શુક્રવારે ૧૮ કલાકના ઓછા સમયમાં જ વિજયપુરા-સોલાપુર વચ્ચેના નેશનલ હાઈવે પર ૨૫.૫ કિલોમીટર લાંબો સિંગલ લેન રોડ બનાવીને ખાસ રેકોર્ડ નોંધાવી લીધો. કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ આ માટે તમામ ૫૦૦ કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટર્સ સહિત એનએચએઆઈની પ્રશંસા કરી છે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા હાલમાં જ સોલાપુર-વિજયપુર હાઈવે પર ૪-લેનિંગના કાર્ય ચાલું છે. જે અંતર્ગત ૨૫.૫ કિલોમીટરના સિંગલ લેન રોડનું કામ ૧૮ કલાકમાં પૂરું કરવામાં આવ્યું.

          નીતિન ગડકરીએ કહ્યું, કન્સ્ટ્રક્શન કંપનીના ૫૦૦ કર્મચારીઓએ આ માટે મહેનત કરી છે. હું આ કર્મચારીઓ સહિત નેશનલ હાઈવે ઓથોરિટી પરિયોજાના નિર્દેશક, અધિકારી, કન્સ્ટ્રક્શન કંપનીના પ્રતિનિધિ અને યોજનાના અધિકારીઓને અભિનંદન પાઠવું છું. નીતિન ગડકરીએ જણાવ્યું કે, હાલમાં સોલાપુર-વિજયુર હાઈવેનું ૧૧૦ કિમીનું કાર્ય ચાલું છે જે ઓક્ટોબર ૨૦૨૧ સુધીમાં પૂરું થઈ જશે. ગડકરીએ ઉત્તરાખંડ માટે શુક્રવારે દિલ્હી-દહેરાદૂનના નવા ઈકોનોમિક કોરિડોરની જાહેરાત કરી. ૨૧૦ કિલોમીટરની કુલ લંબાઈના ૬ લેનની આ પરિયોજનાનો કુલ ખર્ચ ૧૨,૩૦૦ કરોડ છે. જેનું કામ ૨૦૨૩ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. આ ખાસ ઉપલબ્ધિ પર કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ગોવિંદ કારજોલે કહ્યું, આ ખાસ ઉપલબ્ધિ હાલમાં કાર્યરત અને આગામી પ્રોજેક્ટ્સ માટે એક બેન્ચમાર્ક સેટ કરશે. તેમણે કહ્યું કે, આ હાઈવે સાઉથ ઈન્ડિચાના નોર્થ સાથે જોડશે. તેનાથી ટ્રાવેલ કરવાનો સમય અને વાહન ઓપરેટિંગનો ખર્ચ ઘટશે.

(12:00 am IST)