Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

મત્સ્ય મંત્રાલય બન્યું ત્યારે રાહુલ રજા ઉપર હતા : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાહુલ ગાંધીને આડે હાથ લીધા : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા અને દાવો કર્યો કે પુડ્ડુચેરીમાં ભાજપના નેતૃત્વમાં એનડીએની સરકાર બનશે

નવી દિલ્હી,તા.૨૮ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે પુડ્ડુચેરીના કરાઈકલમાં જનસભા સંબોધી. કાર્યક્રમમાં અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા અને દાવો કર્યો કે પુડ્ડુચેરીમાં ભાજપના નેતૃત્વમાં એનડીએની સરકાર બનશે. આ સાથે જ તેમણે પૂર્વની નારાયણસામી સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા કહ્યું કે તેમણે કેન્દ્રની યોજનાઓને જનતા સુધી પહોંચવા દીધી નહીં. જનસભાને સંબોધતા અમિત શાહે કહ્યું કે મારા રાજનીતિક અનુભવના આધારે કહુ છું કે આગામી ચૂંટણીમાં પુડ્ડુચેરીમાં ભાજપના નેતૃત્વમાં એનડીએની સરકાર બનવા જઈ રહી છે. તેમણે કહ્યું કે આ પુડ્ડુચેરીની જમીન ખુબ પવિત્ર ભૂમિ છે. અહીં અનેકવાર મહાકવિ સુબ્રમણ્યમ ભારતીએ અનેકવાર લાંબા સમય સુધી રોકાણ કર્યું અને શ્રી અરવિંદોએ જ્યારે આધ્યાત્મિક યાત્રા શરૂ કરી તો પુડ્ડુચેરીને જ પસંદ કરીને પોતાની આગળની જીવન યાત્રાને આ સ્થળ પરથી આગળ વધારી. અમિત શાહે કહ્યું કે 'મોદીજીના પ્રધાનમંત્રી બન્યા બાદથી અમે પ્રયત્નશીલ હતા કે પુડ્ડુચેરી સમગ્ર દેશમાં મોડલ રાજ્ય બને.

            પ્રધાનમંત્રીજીએ ૧૧૫થી વધુ યોજનાઓ અહીં માટે મોકલીને રાજ્યના સર્વાંગી વિકાસ માટે ડગલું વધાર્યું પરંતુ અહીંની સરકારે આ યોજનાઓને જમીન પર ઉતરવા દીધી નહી.' તેમણે આગળ કહ્યું કે 'કોંગ્રેસ આરોપ  લગાવે છે કે ભાજપે તેમની સરકાર અહીં પાડી. અરે, તમે મુખ્યમંત્રી એવી વ્યક્તિને બનાવ્યા હતા જે પોતાના સર્વોચ્ચ નેતા સામે ટ્રાન્સલેશનમાં પણ ખોટું બોલ્યા, આવી વ્યક્તિને તમે મુખ્યમંત્રી  બનાવ્યાં. ગૃહમંત્રીએ કહ્યું કે 'પુડ્ડુચેરીમાં ભ્રષ્ટાચારની ગંગા વહાવવાનું કામ નારાયણસામીની સરકારે કર્યું. ૧૫ હજાર કરોડ રૂપિયા ભારત સરકારે અહીંના વિકાસ માટે મોકલ્યા.

            શું તમારા ગામડાઓમાં આ પૈસા આવ્યા છે? નારાયણસામીની સરકારે આ ૧૫ હજાર કરોડ રૂપિયા ગાંધી પરિવારની સેવામાં દિલ્હી મોકલી દીધા.' તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદીજીની કેન્દ્ર સરકારે પુડ્ડુચેરીના વિકાસ માટે ઢગલો કામ કર્યા છે. પુડ્ડુચેરીની અંદર ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે ઉડાણ યોજના હેઠળ બેંગલુરુ અને હૈદરાબાદ સાથે પુડ્ડુચેરીને જોડવામાં આવ્યું છે. કોઈ સમર્પિત મત્સ્ય મંત્રાલય ન હોવાનો દાવો કરવા મુદ્દે અમિત શાહે રાહુલ ગાંધીને આડે હાથ લીધા. તેમણે કહ્યું કે કોંગ્રેસ નેતા રજા પર હતા અને એનડીએએ ૨૦૧૯માં જ તે બનાવી દીધુ હતું. અમિત શાહે કહ્યું કે હું પુડ્ડુચેરીની જનતાને પૂછવા માંગુ છું જે પાર્ટીના નેતા ચાર ટર્મથી લોકસભામાં છે, તેમને એ પણ ખબર નથી કે બે વર્ષથી દેસમાં મત્સ્ય પાલન વિભાગ શરૂ થઈ ગયો છે. તે પાર્ટી પુડ્ડુચેરીનું કલ્યાણ કેવી રીતે કરી શકે? તેમણે કહ્યું કે મત્સ્ય પાલનના મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ખામીઓ દૂર કરવા માટે મોદી સરકારે ૨૦ હજાર કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. જેનો સૌથી વધુ ફાયદો આપણા પુડ્ડુચેરીને મળવાનો છે. અમિત શાહે કહ્યું કે હાલમાં જ ૨૫ તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક નાના પોર્ટનું ભૂમિપૂજન કરીને અહીં જે સાગર કિનારે રહેતા લોકો છે તેમના વિકાસ માટે એક મટો રસ્તો ખોલ્યો છે. આ પોર્ટ ૨૦૦૯થી બંધ હતો.

(12:00 am IST)