Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

મહારાષ્ટ્રમાં ફરી કોરોના બેકાબૂ બનતો જાય છે: બીજી લહેર શરૂ થયાના એંધાણ: હીંગોલી શહેરમાં એક અઠવાડિયાનો કફર્યું: અનેક શહેરોમાં વધુ માત્રામાં કોરોના દર્દીઓ મળતાં જાય છે: પુણેમાં રાત્રી કર્ફ્યુ ૧૪ માર્ચ સુધી લંબાવી દેવામાં આવ્યો: રાજ્યમાં ફરી આકરા લોકડાઉનની તૈયારી?

એકવાર ફરીથી મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. અનેક શહેરોમાં વધુને વધુ કોરોના કેસ બહાર આવી રહ્યા છે, ત્યારે મરાઠાવાડના હિંગોલીમાં વહીવટીતંત્રે ૧ થી ૭ માર્ચ સુધી કર્ફ્યુ લગાવવાનો નિર્ણય લીધો છે.

પુણેમાં પણ નાઈટ કર્ફ્યુની અવધિ લંબાવીને ૧૪ માર્ચ કરવામાં આવી છે. આ ઉપરાંત પુણેમાં ૧૪ માર્ચ સુધી સ્કૂલ કોલેજ અને ખાનગી કોચિંગ સેન્ટર બંધ કરી દેવામાં આવ્યા છે.

રવિવારે મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના ૮૦૦૦થી વધુ કેસ સામે આવ્યા છે. હિંગોલીમાં એક સાથે ૪૬ કેસ બહાર આવતા હાહાકાર મચી ગયો છે. આવતીકાલે સોમવારે સવારે સાત વાગ્યાથી અહીં કરફયુ ચાલુ થઇ જશે જે ૭ માર્ચની મધરાત સુધી અમલમાં રહેશે. સ્કૂલ-કોલેજ ધાર્મિક સ્થળો અને કાર્યક્રમ માટેના હોલ આ સમય દરમ્યાન બંધ રહેશે, બેંકો માત્ર ઓફિસ કામ માટે ખુલશે, સરકારી કાર્યાલયોમાં કામકાજ ચાલુ રહેશે.

આ જ રીતે નાગપુર અને અમરાવતીમાં વીકેન્ડ ઉપર લોકડાઉન લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અહીં જાહેર સમારંભો અને રેલીઓ યોજવા ઉપર પહેલેથી જ પ્રતિબંધ લાદવામાં આવેલ છે. અમરાવતી અને અચલપુરમાં ૨૨ ફેબ્રુઆરીએ સંપૂર્ણ લોકડાઉન લગાવવામાં આવેલ, જેને એક અઠવાડિયા માટે વધારી દેવામાં આવેલ છે.

મહારાષ્ટ્રમાં સતત ચોથા દિવસે કોરોનાવાયરસના આઠ હજાર નવા કેસો બહાર આવ્યા છે.આ માટે લોકોની લાપરવાહી અને હોમ આઇસોલેશનના નિયમોનું પાલન નહીં કરવાને જવાબદાર ગણાવાય રહેલ છે.

જે ઝડપથી સ્થિતિ બગડી રહી છે તે જોતા સમગ્ર રાજ્યમાં એક વાર ફરી લોકડાઉન લગાવવું પડે તેવી સ્થિતિ સર્જાઇ રહી છે.

(12:00 am IST)