Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

અવળચંડા પાકિસ્તાને 17 ભારતીય માછીમારોની ધરપકડ કરી : ત્રણ હોડીઓ જપ્ત કરી લઇ ગયું

તમામની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યા બાદ પોલીસને સોંપી દેવાયા

નવી દિલ્હી : એલઓસી પર અવાર નવાર યુદ્ધ વિરામ ભંગ કરનારા પાકિસ્તાને 17 ભારતીય માછીમારોની ધરપકડ કરી લીધી હતી, પાકિસ્તાન તેમની 3 હોડીઓને પણ જપ્ત કરી લઇ ગયું હતું. પાકિસ્તાન મુજબ 17 ભારતીય માછીમારો તેની દરિયાઇ સહરદમાં પ્રવેશી ગયા હતા અને ચેતવણી આપવા છતાં પાછા ફર્યા ન હતા, જે પછી તમામની ધરપકડ કરવામાં આવી અને કોર્ટમાં રજૂ કર્યા બાદ પોલીસને સોંપી દેવામાં આવ્યા હતા.

આ અંગે માહિતી આપતા એક પાકિસ્તાની અધિકારીનું કહેવુ હતું કે ભારતીય માછીમારોને પાકિસ્તાનના દરિયાઇ વિસ્તારને છોડી દેવા માટે જણાવવામાં આવ્યું હતું, પરંતુ આ ચેતવણીને તેમણે માની નહીં જે પછી કાર્યવાહી કરતા તેમની ધરપકડ કરવામાં આવી હતી.

પાકિસ્તાનના જણાવ્યા મુજબ ભારતીય માછીમારો પાકિસ્તાનની દરિયાઇ સરહદ પાર કરી આશરે 10-15 દરિયાઇ મીલ અંદર ચાલ્યા ગયા હતા.

પાકિસ્તાન દ્વારા આ પ્રકારની માછીમારોની ધરપકડ આશરે એક વર્ષ પછી કરવામાં આવી હતી. આ પહેલા તે 23 ભારતીય માછીમારોને પકડી ચૂક્યુ હતું.

ઉલ્લેખનીય ચે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે અરબ સાગરમાં દરિયાઇ સરહદને લઇને કોઇ સ્પષ્ટતા ન હોવાથી બંને દેશો એકબીજાના માછીમારોને પકડતા આવ્યા છે, માછીમારો પાસે ચોક્કસ સ્થાનની માહિતી માટે મોટેભાગે ટેકનિકલ સિસ્ટમનો અભાવ હોય છે. આથી તેઓ આ પ્રકારની ગંભીર ભૂલો કરી બેસે છે. પરંતુ લાંબી કાયદાકીય પ્રક્રિયાને કારણે મહિનાઓ સુધી જેલમાં સડવાનો વારો આવે છે, આવી ધરપકડોમાં અનેક કેસ એવા પણ છે જ્યાં મુક્ત થતાં વર્ષો નીકળી જાય છે.

(9:02 am IST)