Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

સરકારી મહેમાન

વિકએન્ડ માટે અલુવા હિલ્સ પછી ગિફટ સિટી કલબ ગાંધીનગરની બ્યુરોક્રેસીમાં હોટ ફેવરીટ

ગુજરાતમાં ત્રીજી રાજકીય શકિતનો ઉદય, સુરત પછી ગાંધીનગર તરફ કેજરીવાલની નજર : રાજયના ૨૦૨૧-૨૨ના વર્ષના ઓનલાઇન બજેટના આ છે ઘડવૈયાં, દિવસ રાત એક કર્યા છે : ભારે વિલંબ પછી સચિવાલય અને જિલ્લા વહીવટી તંત્રમાં સામૂહિક ફેરફારો થવાની સંભાવના

ગાંધીનગરમાં બ્યુરોક્રેસી માટે પહેલાં એવું કહેવાતું હતું કે અલુવા હિલ્સ વિકએન્ડ ઇન્વેસ્ટમેન્ટનું એકમાત્ર સાધન છે. ઘણાં આઇએએસ અને આઇપીએસ અધિકારીઓએ અલુવા હિલ્સમાં ૨૦૦૦ થી ૫૦૦૦ ચોરસમીટરના પ્લોટ ખરીદીને તેમના વિકએન્ડ વિલા બનાવ્યા છે પરંતુ હવે આ ઓફિસરોની નજર ગાંધીનગર પાસે સાબરમતીની નદીની પેલે પાર ગિફટ સિટી પર ઉતરી છે. ગિફટ સિટીમાં અંદર એન્ટ્રી લેતાં જ કોઇ નવા ટેકનોસિટીમાં આવી ગયાનો આનંદ મળે છે. મલ્ટીસ્ટોરિયેડ બિલ્ડીંગની પથરાતી જતી ચાદર જોઇને એવું અનુમાન લગાવી શકાય છે કે ગાંધીનગર અને અમદાવાદની વચ્ચે અમેરિકાના કોઇ સિટી જેવું ટેકનોલોજી પ્રભાવિત સિટી ઝડપથી આકાર લઇ રહ્યું છે. પાંચ વર્ષ પછી લોકોની મહેચ્છા હશે કે ગિફટ સિટીમાં પણ આપણી એક ઓફિસ હોય.. આપણો પણ એક ફલેટ હોય... અત્યંત મોંઘાદાટ એપાર્ટમેન્ટની વચ્ચે પાંગરેલી ગિફટ સિટી કલબ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની છે. આ કલબમાં અત્યાર સુધીમાં ૧૦૦૦ જેટલા મેમ્બર્સ થઇ ચૂકયાં છે જેમાં સરકારના ઉચ્ચ અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. આ કલબની મેમ્બરશીપ ફી પાંચ લાખ રૂપિયા છે પરંતુ આ કલ્બમાં એટલી અદ્દભૂત અને ટેકનોલોજીથી ભરેલી એમિનિટીઝ છે કે કોઇપણ સમૃદ્ઘ વ્યકિતને કલબના મેમ્બર બનવાની લાલચ જાગી શકે છે. રાજયના કેટલાક આઇએએસ અને આઇપીએસ ઓફિસરો પણ આ લાલચ રોકી શકયા નથી અને મેમ્બર બની ચૂકયાં છે. સરકારના ઓફિસરોને વિકએન્ડ ગાળવાનું ઉત્ત્।મ સ્થળ મળી ચૂકયું છે તેથી જે ઓફિસરો મેમ્બર થયાં છે તેઓ અન્ય ઓફિસરોને પ્રભાવિત કરતાં એવું કહી રહ્યાં છે કે અલુવા હિલ્સ છોડો, ગિફટ સિટીમાં આવો.

આમ આદમી પાર્ટીને કારણે ભાજપ-કોંગ્રેસ ભયમાં

ગુજરાતમાં કહેવાય છે કે વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં અપવાદને બાદ કરતાં ત્રીજી પાર્ટી કયારેય ફાવી નથી. ઘણી પાર્ટીઓએ ગુજરાતમાં ડેરાતંબુ નાંખવાના પ્રયાસ કરી જોયાં પરંતુ ચીમનભાઇ પટેલ સિવાય કોઇ રાજકીય નેતાને સફળતા મળી નથી. નવી પાર્ટી બનાવીને શંકરસિંહ વાઘેલા, કેશુભાઇ પટેલ અને ગોરધન ઝડફિયા પણ ફેઇલ થઇ ગયા છે પરંતુ હવે સમય બદલાયો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ સુરત મહાનગરમાં પ્લેટફોર્મ બનાવીને ગાંધીનગર તરફ નજર દોડાવી છે. સ્થાનિક ચૂંટણીમાં એક સાથે ૨૭ બેઠકો મેળવીને આમ આદમી પાર્ટીએ રાજયમાં ત્રીજી રાજકીય શકિતનો ઉદય કરીને સત્ત્।ાધારી ભાજપના પ્રદેશ નેતાઓની સાથે સાથે વિપક્ષ કોંગ્રેસના નેતાઓને પણ ભયમાં મૂકી દીધાં છે. સ્થાનિક ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ભાજપને તો નડી છે પરંતુ કોંગ્રેસના સૂપડાં પણ સાફ કર્યા છે. સુરતમાં વિપક્ષના સ્થાનને કબજે કરીને કોંગ્રેસને વિધાનસભાની ૨૦૨૨ની ચૂંટણીમાં ચેલેન્જ આપી છે. બીજી તરફ આમ આદમી પાર્ટીની આઇડીયોલોજીથી ગુજરાતના મતદારો આકર્ષાઇ રહ્યાં છે. ખાસ કરીને છેલ્લા ૨૫ વર્ષથી રાજયમાં જે લોકોને ભાજપની સરકાર જોઇતી નથી તેઓ કોંગ્રેસને ધરાર પસંદ કરતા નથી પરંતુ આમ આદમી પાર્ટીમાં તેઓ ભાજપનો વિકલ્પ જોઇ રહ્યાં છે. ૨૦૨૨ની ચૂંટણીમાં ભાજપના કદાવર નેતાઓ સામે કોંગ્રેસના પ્રદેશ નેતાઓ વામણાં પુરવાર થવાના છે તે હકીકત છે પરંતુ આમ આદમી પાર્ટીનો ભય બન્ને પાર્ટીઓને સતાવી રહ્યો છે. ભાજપ કરતાં કોંગ્રેસના નેતાઓના પગ નીચેથી જમીન સરકી રહી છે. માત્ર ૨૭ ઉમેદવારોની જીતથી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતના સુરતમાં રોડ શો કરીને વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવવાનો ઇશારો આપી દીધો છે. આ રોડ-શો ના કારણે પ્રભાવિત થયેલા ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કેજરીવાલની ટીકા કરીને પાણી પહેલાં પાળ બાંધી દીધી છે પરંતુ સુરતમાં વિપક્ષની ખુરશી છીનવાઇ ગઇ હોવા છતાં કોંગ્રેસની આંખ હજી સુધી ખુલી નથી.

બજેટ સત્ર સાથે બ્યુરોક્રેસીમાં ફેરબદલના સંકેત

સચિવાલય અને જિલ્લાના વહીવટી તંત્રમાં ફેરબદલનો સમય નજીક આવી રહ્યો છે. સચિવાલયના સૂત્રો કહી રહ્યાં છે કે લાંબા સમયથી વિલંબમાં પડેલી બદલીઓની મોસમ માર્ચ મહિનામાં આવી શકે છે. કોઇને કોઇ કારણોસર રાજયના સનદી અધિકારીઓની બદલી રોકાયેલી પડી છે પરંતુ હવે બદલીવાંછુ ઓફિસરોની ઇન્તજારીનો અંત નજીક આવી રહ્યો છે. રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સચિવાલયના વિવિધ વિભાગો, બોર્ડ-કોર્પોરેશનના વડા, જિલ્લા વહીવટી તંત્રના વડા અને રાજયની આઠ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરની ફેરબદલ કરવાનું મન બનાવી લીધું છે. કોરોના સંક્રમણ વચ્ચે એક વર્ષના વિલંબથી બદલીની પેન્ડીંગ ફાઇલમાં નામો ઉમેરાતાં જાય છે. આ લીસ્ટ હવે ૭૫ના આંકડાને પાર કરી જાય તેવી સંભાવના છે. અત્યાર સુધી સચિવાલયમાં અધિકારી વર્ગ એવું માનતો હતો કે ૨૮મી ફેબ્રુઆરીએ હાલના ચીફ સેક્રેટરી અનિલ મુકિમનું છ મહિનાનું એકસટેન્શન પૂર્ણ થઇ ગયા પછી સચિવાલયના વિભાગોમાં બદલીઓ થશે પરંતુ અનિલ મુકિમને વધુ છ મહિનાનું એકસટેન્શન મળી ચૂકયું છે. એટલે કે હવે તેઓ ઓગષ્ટ ૨૦૨૧ સુધી આ પદ પર રહી શકશે. માર્ચમાં વિધાનસભાનું બજેટ સત્ર છે જે આખો મહિનો ચાલવાનું છે પરંતુ ભૂતકાળમાં પણ બજેટની માગણીઓ પૂર્ણ થતાં ચાલુ સત્રમાં ઓફિસરોની મોટાપાયે બદલીઓ થઇ છે તેવી રીતે માર્ચના હાલના બજેટ સત્ર દરમ્યાન સામૂહિક બદલીઓ થવાના ચાન્સ વધી રહ્યાં છે, કારણ કે સચિવાલયમાં હાલ એક ડઝન જેટલા ઓફિસરો બેવડા હોદ્દા ધરાવી રહ્યાં છે તેમને પણ વધારાના હવાલમાંથી મુકત કરવાના થાય છે.

ગુજરાતના બજેટમાં ૭૫ ઓફિસરોનું યોગદાન છે

ગુજરાત સરકારનું ૨૦૨૧-૨૨ના વર્ષનું સામાન્ય બજેટ તૈયાર થઇ રહ્યું છે. ત્રીજી માર્ચે જયારે વિધાનસભામાં આ બજેટ રજૂ થશે ત્યારે તે બજેટના ઘડવૈયાં કોણ છે તેની પર નજર નાંખવાની જરૂર છે. સૌ પ્રથમ નાણાં વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી પંકજ જોષી બજેટને આખરી ઓપ આપી નાયબ મુખ્યમંત્રી તેમજ નાણાંમંત્રી નીતિન પટેલ સમક્ષ મંજૂરી અને સુધારા-વધારા અર્થે રજૂ કરે છે. નાણાં વિભાગના બોટમ થી ટોચ સુધીના અધિકારીઓ દિવસ-રાત ઉજાગરા કરીને બજેટ તૈયાર કરતા હોય છે. રાજય સરકારના ૨૭ વિભાગો, બોર્ડ-નિગમો તેમજ અર્ધ સરકારી સંસ્થાઓ સહિત સરકારની રાજયભરની કચેરીઓની નવી યોજનાઓ તેમજ વર્ષના ખર્ચના હિસાબો બજેટમાં મૂકવામાં આવતા હોય છે. આ બજેટમાં ઇકોનોમિક એફેર્સના સેક્રેટરી મિલિંગ તોરવણે, એસ્પેન્ડીચર સેક્રેટરી રૂપવંતસિંહ, બજેટના જોઇન્ટ સેક્રેટરી એસ છાકછુક ઉપરાંત ટેકસના ડેપ્યુટી સેક્રેટરી દિલીપ ઠાકર સહિત ૩૦ ઓફિસરોનો સ્ટાફ મહેતન કરી રહ્યો છે. બજેટની તૈયારીમાં ચીફ કમિશનર ઓફ સેલ્સટેકસ જેપી ગુપ્તા અને તેમની કચેરીના અન્ય ચાર અધિકારીઓ સીએન ભટ્ટ, એસએસ ઠાકરે, આરટી શાહ અને બીકે મહેતા પણ સહયોગ આપી રહ્યાં છે. સામાન્ય રીતે ફાયનાન્સ ડિપાર્ટમેન્ટમાં એડિશનલ ચીફ સેક્રેટરીના હાથ નીચે એકસપેન્ડીચર સેક્રેટરી, ઇકોનોમિક અફેર્સ સેક્રેટરી અને બ્યુરો ઓફ પબ્લિક સેકટર એન્ટરપ્રાઇઝિસના સેક્રેટરીનો સમાવેશ થાય છે. આ બજેટમાં રાજયના ચીફ સેક્રેટરી અનિલ મુકિમની પણ સલાહ લેવામાં આવી છે. બજેટ સરકારના ૨૮ વિભાગો માટેનું હોય છે એટલે વિભાગના વડા અને અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ નાણા વિભાગને સહયોગ કરતા હોય છે. સરવાળે ૭૫ જેટલા અધિકારીઓ બજેટની કામગીરી સાથે જોડાયેલા હોય છે.

રાહત દરના પ્લોટ ત્રણ કરોડમાં વેચાઇ રહ્યાં છે

સરકારમાં રાહતદરે જમીનના પ્લોટ લઇને જે કર્મચારીઓ, અધિકારીઓ તેમજ પદાધિકારીઓ બજારભાવે વેચી નાંખે છે ત્યારે સરકારના નિયમોને આધિન પ્રિમિયમ વસૂલ કરવામાં આવતું હોય છે. ગાંધીનગરમાં રાહતદરે આપવામાં આવેલા પ્લોટના વેપારને અટકાવવા માટે સરકારે હવે ન્યાયાલયના આદેશને કારણે નવા પ્લોટ ફાળવવા પર પ્રતિબંધ મૂકયા છે પરંતુ જે લોકોને પ્લોટ મળી ગયા છે તે પૈકી કેટલાક વયનિવૃત્ત્િ। પછી વતનમાં જવાની ઇચ્છાના કારણે પ્લોટ વેચી રહ્યાં છે. થોડાં સમય પહેલાં એક સનદી અધિકારીએ તેમને મળેલો ૩૩૦નો પ્લોટ બજાર કિંમતે વેચી દીધો છે પરંતુ તેમણે સરકારમાં નિયમ મુજબ ભરવાના થતાં પ્રિમિયમની રકમ જમા કરાવી નથી. તેમણે માત્ર ૫૦ ટકા પ્રિમિયમ ભર્યું છે. કાયદાની છટકબારીનો લાભ લઇને આ અધિકારીએ સરકારને અંદાજે ૩૦ લાખનું નુકશાન કરાવ્યું છે. આવી જ રીતે એક પૂર્વ ધારાસભ્ય એ તેમને મળેલો ૩૩૦ ચોરસમીટરનો પ્લોટ ત્રણ કરોડમાં વેચવા કાઢ્યો છે, પરંતુ ૨૫ વર્ષ થયાં નહીં હોવાથી ૨૫ ટકા પ્રિમિયમની રકમ ભરવાની થાય છે તેથી તેમનો મોંઘો પ્લોટ વેચાતો નથી. જિલ્લા કલેકટરના સૂત્રોના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં ગાંધીનગરમાં ફાળવવામાં આવેલા પ્લોટ પૈકી ૩૫ ટકા પ્લોટ બજાર ભાવે વેચી દેવામાં આવ્યા છે. આ પ્લોટ જયારે રાહત દરે આપવામાં આવ્યા હતા ત્યારે જે તે પ્લોટવાછુંક લોકોએ અઢી થી ત્રણ લાખ રૂપિયા ભર્યા હતા. સરકારે રાહત દરે આપેલા પ્લોટના વેચાણમાં માત્ર કર્મચારી કે સનદી અધિકારી સંકળાયેલા નથી પરંતુ તેમની સાથે ધારાસભ્ય, સંસદસભ્ય અને આઇપીએસ ઓફિસરો પણ સામેલ છે.

ગિફટમાં જોબ નહીં હોય તેને પણ આવાસનો લાભ...

ગાંધીનગર પાસે આવેલા ગિફટ સિટીમાં પોપ્યુલેશન વધારવા માટે રાજય સરકારે અને ગિફટ સિટીના વહીવટી તંત્રએ રેસિડેન્શિયલ તેમજ કોમર્શિયલ સ્કીમોમાં નિયમ પરિવર્તન કર્યું છે જેનો લાભ કોઇપણ વ્યકિત કે પરિવારને મળશે. પહેલાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે ગિફટ સિટીમાં કામ કરતા કર્મચારી કે અધિકારીઓ રહી શકે તે માટે આવાસની યોજનાઓ શરૂ કરવામાં આવી હતી અને માત્ર તેમને જ વેચાણથી આપવાની થતી હતી પરંતુ હવે બદલાયેલા નિયમ પ્રમાણે આવાસની આ સ્કીમો ખુલ્લા બજારમાં વેચવાની છૂટ આપવામાં આવી છે. હાલ ગિફટ સિટીમાં સાઉથના મોટા બિલ્ડરજૂથ શોભા ડેવલપર્સ, ગુજરાતના સંગાથ ઇન્ફ્રા તેમજ અમદાવાદના જાણીતા બિલ્ડરોની રેસિડેન્શિયલ તેમજ કોમર્શિયલ સ્કીમો મૂકવામાં આવી છે, જો કે આ બઘી સ્કીમોમાં સરકારી જમીન ૯૯ વર્ષની લીઝ પર આપવામાં આવી છે. ગિફટ સિટીમાં કોઇપણ નાગરિક એપાર્ટમેન્ટ લઇ શકે છે. આ બિલ્ડરજૂથોએ મૂકેલી બે થી ત્રણ બેડરૂમના ફલેટની કિંમત ૫૫ લાખથી શરૂ થાય છે અને એક કરોડ રૂપિયા સુધી છે. જેમાં વીજળી અને પાણી અને સુધરાઇ સહિતના ઇન્ફ્રાસ્ટ્રકચરની જવાબદારી ગિફટ સિટીનું સત્ત્।ાતંત્ર સંભાળવાનું છે. ગિફટ સિટીનું પ્લાનિંગ ૮૮૬ એકર જમીનમાં ફેલાયેલું છે પરંતુ બિલ્ટઅપ એરિયા ૬૨ મિલિયન ચોરસફુટ મળે છે જેમાં ઓફિસ સ્પેસ, રેસિડેન્શિયલ એપાર્ટમેન્ટ, સ્કૂલ્સ, હોસ્પિટલ્સ, હોટલ્સ, કલબ અને રિટેઇલ એન્ડ અન્ય રિક્રિયેશનલ ફેસેલિટીઝનો સમાવેશ થાય છે.

-: આલેખન :-

ગૌતમ

પુરોહીત

gpurohit09@gmail.com

 

(10:22 am IST)