Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

કોરોનાએ વધાર્યુ ટેન્શન

તામિલનાડુમાં ચૂંટણી પહેલા ૩૧ માર્ચ સુધી લોકડાઉન લંબાવાયું

ચેન્નાઇ, તા.૧: કોરોના વાયરસના સંકટના કારણે તમિલનાડુમાં ૩૧ માર્ચ સુધી લોકડાઉનને લંબાવી દેવામાં આવ્યું છે. રવિવારે આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી છે અને સાથે સાથે તંત્રને આદેશ આપવામાં આવ્યા છે કે કોરોના સામે લડવામાં જે તે નિયમોનું કડકપણે પાલન કરાવવામાં આવે.

રાજયમાં હવે ચૂંટણી થવા જઈ રહી છે અને તેમાં કોરોના વાયરસના વધતાં કેસના કારણે સરકારની ચિંતામાં વધારો થયો છે જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે રવિવારે રાજયમાં કોરોના વાયરસના નવા ૪૭૯ કેસ સામે આવ્યા છે અને ૩ના મોત થાય છે. રાજયમાં સંક્રમિત કેસની કુલ સંખ્યા ૮.૫૧ લાખ થઈ ગઈ છે.

તમિલનાડુમાં જાહેર નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસના કારણે ૩૧ માર્ચ સુધી લોકડાઉન લંબાવવામાં આવે છે. આ સિવાય સાર્વજનિક સ્થળો પર માસ્ક પહેરવું જરૂરી રહેશે તથા દુકાનોમાં સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાનું રહેશે. કોરોના વાયરસ સામે કન્ટેનમેન્ટ ઝોનમાં સતર્કતા રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. જાહેર જગ્યાઓ પર વારંવાર સેનેટાઈઝ કરવાની સાથે સાથે થર્મલ સ્કેનિંગને લઈને પણ સતર્કતા રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. 

નોંધનીય છે કે ભારતમાં કોરોના વાયરસના કેસમાં છેલ્લા થોડા દિવસથી ફરીથી વધારો જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, તમિલનાડુ અને ગુજરાતમાં કેસમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે કોરોના વાયરસની નવી લહેરની શકયતાને જોતાં વિવિધ રાજય સરકારોને સતર્ક થઈ જવાના આદેશ કેન્દ્ર દ્વારા આપવામાં આવ્યા છે.

(11:47 am IST)