Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

ગયા વર્ષે આઇસ્‍ક્રીમ ઉદ્યોગ ‘‘ઠંડો'' રહ્યો : આ વર્ષે વધુ વેંચાણ થવાના સંજોગો : દેશમાં ખાવામાં ગુજરાત ત્રીજા ક્રમે

ગુજરાતમાં આ વર્ષે ૧૫૦૦ કરોડને બદલે ૧૮૦૦ કરોડનો આઇસ્‍ક્રીમ વેંચાય તેવી શક્‍યતા

નવી દિલ્‍હી,તા.૧ : નાના બાળકોથી માંડીને વડીલો સુધી સૌ કોઇના મોઢામાં પાણી લાવી દેતા આઇસ્‍ક્રીમનો ધંધો ચાલુ વર્ષે ૨૦ ટકાથી પણ વધારે વધે તેવી સંભાવના છે. કોરોનાનું જોર ઘટતા ફ્રેબુઆરીના બીજા સપ્‍તાહથી જ આઇસ્‍ક્રીમનું ચલણ શરૂ થઇ ગયું છે અને લોકોએ ગયા વર્ષે આઇસ્‍ક્રીમ નહીં ખાધો હોવાથી ચાલુ વર્ષે આઇસ્‍ક્રીમ ખાવાનું પ્રમાણ પણ વધારી દીધું છે. જેને કારણે ચાલુ વર્ષે માત્ર ગુજરાતમાં જ રૂા. ૧૫૦૦ કરોડના બદલે રૂા. ૧૮૦૦ કરોડ અને દશેભરમાં ૨૫ હજાર કરોડને બદલે ૩૦ હજાર કરોડોનો આઇસ્‍ક્રીમ લોકો ઝાપટી જશે. ગત વર્ષે આઇસ્‍ક્રીમ ઇન્‍ડસ્‍ટ્રીને ખૂબ જ મોટુ નુક્‍સાન થયું હતું, પરંતુ ચાલુ વર્ષે જે રીતે શરૂઆત થઇ છે તે જોતા આઈસક્રીમ ઇન્‍ડસ્‍ટ્રીનું નુક્‍સાન થોડું-ઘણું ભરપાઈ થઈ જશે તેમ ઈન્‍ડસ્‍ટ્રી સાથે વર્ષોથી સંકળાયેલા રાજેશભાઈ શાહે જણાવ્‍યું હતું.

રાજેશભાઈએ આઈસક્રીમ અંગેની આંકડાકીય માહિતી આપતા જણાવ્‍યું હતું કે, દેશમાં આઈસક્રીમની તમામ મોટી બ્રાન્‍ડ ગુજરાતની જ છે. જ્‍યારે આઈસક્રીમ ખાવામાં ઉત્તર  પ્રદેશ અને મહારાષ્‍ટ્રબાદ ગુજરાત ત્રીજાનંબરે આવે છે. ઉત્તરપ્રદેશ અને મહારાષ્‍ટ્રમાં વર્ષે દહાડે લગભગ ૨૦૦૦ કરોડથી વધારેનો આઈસક્રીમ ખવાય છે. ગુજરાતમાં વર્ષે ૧૫૦૦ કરોડનો આઈસક્રીમ ખવાય છે. દેશની વાત કરીએ તો ભારતમાં વર્ષે દહાડે આઈસક્રીમનો ધંધો ૨૫૦૦૦ કરોડનો છે.

સામાન્‍ય રીતે આઈસક્રીમ એપ્રિલથી લઈને જુન-જુલાઈ મહિના સુધી વધારે પ્રમાણમાં ખવાતો હોય છે. ઉત્‍પાદકો તેની તૈયારીઓ લગભગ જાન્‍યુઆરીના અંતથી શરૂ કરી દેતા હોય છે. ફેબ્રુઆરીના અંતથી આઈસક્રીમનો સ્‍ટોક કરવાની પણ શરૂઆત કરી દેવી પડતી હોય છે. જયારે ગત વર્ષે કોરોનાને કારણે માર્ચ મહિનાના અંત ભાગથી દેશભરમાં લોકડાઉન લાગી ગયું હતું તેથી આઈસક્રીમનું કોઇ જ વેચાણ થયું નહીં. હવે જે ઉત્‍પાદકો અને વેપારીઓએ આઇસક્રીમનો સ્‍ટોક કર્યો હતો તેમનો સ્‍ટોક પણ ખરાબ થઈ જતાં તેનો નિકાલ કરી દેવો પડયો હતો.

જ્‍યારે સરકારની મંજૂરી સાથે બજારો ખુલવા લાગ્‍યા ત્‍યારે પ લોકો શરદી- ઉધરસ થવાના ડરે આઈસક્રીમ ખાવાનું ટાળતા હતા, જેનાથી બચવા માટે લોકોએ ૨૦૨૦નું આખું વર્ષ લગભગ આઇસક્રીમ ખાધા વગરજ ચલાવ્‍યું હતું! લગ્ન પ્રસંગો અને અન્‍ય સામાજિક પ્રસંગો પણ રદ થયા હોવાથી કેટરિંગ અને મોટા જમણવાર સાથે પીરસાતો આઈસક્રીમ પણ ખાવા મળ્‍યો નહોતો. જેને પગલે આઈસક્રીમ ઇન્‍ડસ્‍ટ્રીને ૬૦ ટકાથી વધુનું નુક્‍સાન થયું હતું.

(11:51 am IST)