Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

પહેલા માતા પછી પિતા અને હવે ભાઈનું કોરોનાથી મૃત્યુ : બહેન હોસ્પિટલમાં વેન્ટિલેટર પર

ભોપાલમાં ૧૦ જ દિવસમાં આખો પરિવાર વિખેરાઈ ગયોઃ બેન્ક મેનેજરનું મેરેજ એનિવર્સરીના દિવસે જ મોત : બહેન પણ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે

ભોપાલ,તા.૧:  કોરોનાને કારણે ૧૦ જ દિવસમાં એક પરિવાર સંપૂર્ણ રીતે વિખેરાઇ ગયો. કોરોના વાયરસ રૂપી કાળની એવી નજર પડી કે, હસતો-ખેલતો પરિવાર ખતમ થઈ ગયો. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલની કેનરા બેંકની બૈરાગઢ બ્રાન્ચમાં સીનિયર મેનેજર શશાંક દિક્ષિતના સંપૂર્ણ પરિવારને કોરોના રોગનો ચેપ લાગ્યો હતો. સૌથી પહેલા ૨૧ એપ્રિલે તેમની માતાનું અવસાન થયું હતું અને તેના ચાર દિવસ બાદ પિતાએ પણ અંતિમ શ્વાસ લીધા હતા.

આ દરમિયાન ૨૯ એપ્રિલના રોજ શંશાકે પણ કાયમ માટે પોતાની આંખો મીચી દીધી હતી. હવે તેમની બહેન હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને ત્યાં તેઓ વેન્ટિલેટર સપોર્ટ પર હોવાનું જાણવા મળ્યું છે. કરૂણાંતિકા એ છે કે, બેન્ક મેનેજર શંશાકનું જે દિવસે મૃત્યું થયું હતું તે દિવસે તેમની મેરેજ એનિવર્સરી હતી.

ભોપાલના રહેવાસી શશાંક સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી કેરળમાં પોસ્ટિંગ પર હતા. ૨૦૦૯માં બેંકમાં જોડાતા પહેલા તેમણે બરકતુલ્લાહ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. ભોપાલના સેન્ટ મેરી કોન્વેન્ટમાં અભ્યાસ કર્યા પછી તેમણે મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી. શશાંકના ૨૯ એપ્રિલ, ૨૦૧૨ના રોજ લગ્ન થયા હતા.

એમપીમાં કોરોના વાયરસની બીજી લહેરની શરૂઆતથી બેંકના ૩૬૭૨ અધિકારીઓ અને કર્મચારીઓને ચેપ લાગ્યો છે. જેમાંથી ૪૬ લોકોનું અવસાન થયું છે. ગુરુવારે જ શશાંક દિક્ષિત સહિત ૮ બેંક કર્મચારીઓનું મોત થતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. કોરોના સંક્રમણને કારણે કર્મચારી-અધિકારીઓના ચેપ લાગતા રાજયની ૪૦ બેંક શાખાઓ બંધ રાખવાની ફરજ પડી છે.

(10:44 am IST)