Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

જીએસટી રિટર્ન ભરવાની તારીખ લંબાવાઇ

નવી દિલ્હી,તા. ૧: મે મહિના માટેના જીએસટીના માસિક સેલ્સ રિટર્ન ભરવાની અંતિમ તારીખ પંદર દિવસ લંબાવીને ૨૬ જૂન ૨૦૨૧ સુધી કરી હોવાની જાહેરાત સરકારે સોમવારે કરી હતી.

નાણાં પ્રધાન નિર્મલા સીતારામનની અધ્યક્ષતામાં ૨૮મી મેના દિવસે યોજાયેલી બેઠકમાં કોવિડ-૧૯ને ધ્યાનમાં લઇને અમુક સવલતો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેકટ ટેક્ષિસ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઇસી)એ કાઉન્સિલ દ્વારા જાહેર કરાયેલી સવલતો વિશે ટ્વિટર પર માહિતી આપી હતી.

મે ૨૦૨૧ માટે જીએસટીઆર-૧ ફોર્મ રજૂ કરવાની તારીખ પંદર દિવસ માટે લંબાવવામાં આવી છે. હવે એ ભરવાની અંતિમ તારીખ ૨૬મી જૂન ૨૦૨૧ છે.

કોમ્પોઝીશન ડિલર્સ દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટેના વાર્ષિક રિટર્ન (જીએસટીઆર-૪) ભરવાની તારીખ કાઉન્સિલે ત્રણ મહિના માટે લંબાવી છે અને હવે એ ૩૧મી જુલાઇ ૨૦૨૧ સુધી ભરી શકાશે.

કંપનીઝ એકટ હેઠળ નોંધાયેલા કરદાતાઓને જીએસટી રિટર્ન ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટને બદલે ઇવીસી દ્વારા ૩૧મી ઓગસ્ટ ૨૦૨૧ સુધી ભરવાની સવલત આપવામાં આવી છે.

(10:28 am IST)