Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

આખરે બ્રિટિશ સમયના ' રાજદ્રોહ' કાયદાની સમીક્ષા કરવા સુપ્રિમકોર્ટનો નિર્ણય

સર્વોચ્ચ અદાલતે બે તેલુગુ ચેનલ સામેની 'રાજદ્રોહ'ની કામગીરીને બ્રેક મારી :રાજ્ય સરકારને જવાબ આપવા કહેણ : કેન્દ્ર સરકાર પણ જવાબ આપે તેવી શકયતા

નવી દિલ્હી:  'રાજદ્રોહ'ના કેસ કરવાના સતત વધતા  વલણ સામે આખરે સુપ્રીમ કોર્ટે બ્રિટીશ સમયના આ કાયદાની સમીક્ષા કરવા નિર્ણય કર્યો છે,દેશમાં  અખબારી સહીતના મિડીયાની આઝાદી તથા અભિવ્યક્તિની આઝાદી સામે તેનો દૂરઉપયોગ થઈ રહ્યો છે તે અંગેની ફરિયાદોને પણ ચકાસશે. સર્વોચ્ચ અદાલતે બે તેલુગુ ચેનલ સામેની 'રાજદ્રોહ'ની કામગીરીને બ્રેક મારી દીધી છે અને આ અંગે રાજય સરકારને પણ જવાબ આપવા કહ્યું છે તો કેન્દ્ર તરફથી દેશની સોલીસીટર જનરલ પણ આ કેસની સુનાવણી સમક્ષ જોડાઈને કેન્દ્ર સરકાર વતી જવાબ આપે તેવી શકયતા છે

 . સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ ડી.વાય.ચંદ્રચૂડની બનેલી ખંડપીઠે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ભારતીય ફોજદારી ધારા 1860ની કલમ 124 એ 153 એ અને 505ની જોગવાઈઓની હાલની સ્થિતિમાં સમીક્ષા જરૂરી બની ગયું છે અને તેની વ્યાખ્યા પણ ચકાસવી જરૂરી છે. ખાસ કરીને પ્રિન્ટ અને ઈલેકટ્રોનીક મીડીયાના સમાચાર પ્રસિદ્ધ કરવાના અધિકાર, માહિતીના અધિકાર વિ.ના દ્રષ્ટીકોણથી પણ તપાસાશે. આંધ્રની બે તેલુગુ ચેનલ સામે દાખલ થયેલા કેસમાં બંધારણની કલમ 19(1)(એ) હેઠળ લોકોને જે બોલવાની અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકાર અપાયા છે તેનું ખુલ્લુ ઉલ્લંઘન છે. દેશમાં રાજકીય નેતાઓ સામે પણ રાજદ્રોહ કે દેશદ્રોહના કેસ વધવા લાગ્યા છે અને તે ફકત રાજકીય હેતુસરના જ હોવાની ફરિયાદ થઈ છે.

(12:20 pm IST)