Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

લો કર લો બાત

મુંબઇ કરતા ન્યુયોર્કમાં પેટ્રોલનો ભાવ અડધો

૨૦૧૩ બાદ સરકારે ૬ ગણો વધાર્યો છે ટેક્ષ

નવી દિલ્હી, તા.૧: એક તરફ કોરોના વાયરસ છે તો બીજી તરફ પેટ્રોલ અને ડીઝલનો વધતો ભાવ છે કે જેના કારણે સામાન્ય પ્રજાને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દેશમાં ઘણી જગ્યા પર પેટ્રોલની કિંમત ૧૦૦ રુપિયાને પાર પહોંચી ગઈ છે અને આ જગ્યાઓમાં ભારતની આર્થિક રાજધાની મુંબઈનો પણ સમાવેશ થાય છે. મુંબઈમાં પહેલીવાર પેટ્રોલની કિંમત ૧૦૦ને પાર પહોંચી ગઈ છે. મુંબઈ કરતા સસ્તુ પેટ્રોલ અમેરિકાના ન્યુયોર્કમાં મળી રહ્યું છે. ન્યુયોર્કમાં પેટ્રોલની કિંમત અત્યારે મુંબઈ કરતા અડધી છે.

આ વર્ષે મુંબઈમાં પેટ્રોલની રિટેલ કિંમતમાં ૧૧્રુનો ઘટાડો થયો છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના ડેટા પ્રમાણે પેટ્રોલનો ભાવ મુંબઈમાં સોમવારે ૧૦૦.૪૭ રુપિયા પ્રતિ લીટર થઈ ગયો છે. બ્લુમબર્ગ કેલકયુલેશન મુજબ ન્યુયોર્કમાં સોમવારે પેટ્રોલની કિંમત ૦.૭૯ ડોલર (ભારતીય નાણા પ્રમાણે ૫૭.૪૯ રુપિયા) પ્રતિ લીટર હતી. આ કેલકયુલેશન ન્યુયોર્ક સ્ટેટ એનર્જી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીના આંકડા પર આધારિત છે.

૨૦૧૩ પછી પેટ્રોલ અને ડીઝલ પર ટેકસ લગભગ ૬ ગણો વધી ગયો છે. કેન્દ્ર અને રાજય સરકાર બન્ને મળીને રિટેલ પેટ્રોલ પર ૬૦% અને ડીઝલ પર ૫૪્રુ ટેકસ લઈ રહી છે. હાલમાં કેન્દ્ર સરકાર પેટ્રોલ પર ૩૨.૯૦ રુપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર ૩૧.૮૦ પ્રતિ લીટરના દરે સેન્ટ્રલ એકસાઈઝ ડ્યુટી વસુલે છે. પાછલા વર્ષે નરેન્દ્રભાઇ મોદી સરકારે વારંવાર ફ્યુઅલ પર ટેકસ વધાર્યો હોવાના કારણે દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત વધી છે. ભારત દુનિયામાં કાચા તેલનો ત્રીજા નંબરનો સૌથી વધુ આયાત કરતો દેશ છે.

સેન્ટ્રલ એકસાઈઝ ડ્યુટી લગાવ્યા બાદ રાજય સરકારો ફ્યુઅલ પર વેલ્યુ એડેડ ટેકસ વસુલે છે. રાજસ્થાનમાં પેટ્રોલ અને ડીઝલ પર સૌથી ઊંચા દરે વેટ વસુલવામાં આવે છે, આ પછી મધ્યપ્રદેશમાં સૌથી વધારે વેટ વસુલવામાં આવે છે. દેશમાં અલગ-અલગ શહેરોમાં ફ્યુઅલના ભાવ પર વસુલાતા વેટની ટકાવારી અલગ હોવાથી અને માલ પહોંચાડવાના ભાડા પ્રમાણે પેટ્રોલ અને ડીઝલના ભાવ અલગ-અલગ હોય છે.

(4:00 pm IST)